News Continuous Bureau | Mumbai
Nicolas Maduro અમેરિકા દ્વારા ધરપકડ કરાયેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીવનકથા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. એક સામાન્ય બસ ડ્રાઈવરથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર માદુરો વિશે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે – તેઓ ભારતના આધ્યાત્મિક સંત સત્ય સાઈ બાબાના અત્યંત શ્રદ્ધાળુ ભક્ત છે. ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા અને કેથોલિક તરીકે ઉછરેલા માદુરોનું ભારત પ્રત્યેનું આ આકર્ષણ અને આધ્યાત્મિક જોડાણ હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે.
પત્ની સીલિયા ફ્લોરેસ દ્વારા થયું બાબા સાથે મિલન
નિકોલસ માદુરોને સત્ય સાઈ બાબાના ભક્ત બનાવવામાં તેમની પત્ની સીલિયા ફ્લોરેસનો મોટો હાથ છે. સીલિયા પોતે એક વકીલ અને નેતા છે અને માદુરો સાથે લગ્ન કરતા પહેલાથી જ તેઓ બાબાના અનુયાયી હતા. વર્ષ 2005માં સીલિયા જ માદુરોને ભારત લાવ્યા હતા, જ્યાં તેમણે પુટ્ટપર્થી ખાતે સત્ય સાઈ બાબા સાથે ખાનગી મુલાકાત કરી હતી. તે સમયે માદુરો વેનેઝુએલા એસેમ્બલીના સ્પીકર હતા. ભારત યાત્રાની તસવીરોમાં તેઓ બાબાના ચરણોમાં બેઠેલા પણ જોવા મળ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં બાબાની તસવીર અને રાષ્ટ્રીય શોક
માદુરોની શ્રદ્ધા એટલી પ્રબળ છે કે કારાકાસમાં આવેલા પ્રેસિડેન્શિયલ પેલેસમાં તેમની ખાનગી ઓફિસમાં સાઈ બાબાની એક મોટી તસવીર લગાવવામાં આવી છે. આ તસવીર વેનેઝુએલાના ક્રાંતિકારી નેતાઓ સાઈમન બોલિવર અને હ્યુગો શાવેઝની તસવીરોની હરોળમાં સ્થાન ધરાવે છે. જ્યારે 2011માં સત્ય સાઈ બાબાનું અવસાન થયું, ત્યારે માદુરોએ વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીમાં સત્તાવાર શોક પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો અને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
ભારતીય આધ્યાત્મિકતા અને ભાષણોમાં ઉલ્લેખ
નિકોલસ માદુરોએ પોતાના અનેક જાહેર ભાષણોમાં ભારતીય આધ્યાત્મિકતા અને સત્ય સાઈ બાબાના માનવતા માટેના યોગદાનની પ્રશંસા કરી છે. તેઓ બાબાના ‘સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમ’ના સૂત્રોમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ અને અમેરિકા સાથેના તણાવ વચ્ચે માદુરોનું આ ભારતીય કનેક્શન અને તેમનું બસ ડ્રાઈવરથી રાષ્ટ્રપતિ સુધીનું સફર લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.