ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બ્રિટનમાં લગ્ન કર્યા છે. તેણે મંગળવારે અસર મલિક સાથે તેના નવા જીવનની શરૂઆત કરી. આ પ્રસંગે બંનેના પરિવારજનો હાજર રહ્યા હતા.
મલાલાએ પોતાના નવા જીવનની શરૂઆત અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આપી છે. સાથે જ મલાલાએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'આજનો દિવસ મારા જીવનમાં એક અણમોલ દિવસ છે. અસર અને હું આજીવન માટે શાદીના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે બર્મિંગહામ ખાતે અમારા પરિવારો સાથે ઘરે એક નાનો નિકાહ સમારંભ આયોજિત કર્યો. અમને તમારી શુભેચ્છાઓ પાઠવો. અમે એક સાથે જીવન વીતાવવા માટે ઉત્સાહિત છીએ.'
ઉલ્લેખનીય છે કે મલાલા એ છોકરી છે જેને શિક્ષણ અને શાંતિ માટે અવાજ ઉઠાવવા બદલ તાલિબાને 9 ઓક્ટોબર 2012ના રોજ મલાલાને ગોળી મારી હતી ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. જે બસમાં મલાલા તેના સાથીઓ સાથે સ્કૂલ જઈ રહી હતી તે બસમાં તાલિબાન આતંકવાદીઓ ચઢી ગયા હતા. તાલિબાની આતંકવાદીઓએ બસમાં પૂછ્યું, 'મલાલા કોણ છે?' બધા ચૂપ રહ્યા પણ તેમની નજર મલાલા તરફ ગઈ. આતંકવાદીઓએ મલાલા પર ગોળી ચલાવી હતી જે તેના માથામાં વાગી હતી.
તાલિબાન આતંકવાદીઓ દ્વારા તેમના પર થયેલા હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી. આ હુમલાના વિરોધમાં દુનિયાભરના લોકોએ મલાલાને સમર્થન આપ્યું હતું. આ પછી મલાલાએ પાછું વળીને જોયું નથી. તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે તાલિબાની સામે બીડું ઝડપ્યું. 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. મલાલા 17 વર્ષની સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર વિજેતા બની હતી.
કોણ છે અસર મલિક?
મલાલાના જીવનસાથી અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં જનરલ મેનેજર છે. તેમને મે 2020માં જોઈન કર્યું હતું. અગાઉ તે પાકિસ્તાન સુપર લીગ માટે કામ કરતા હતા. મલિકે એક પ્લેયર મેનેજમેન્ટ એજન્સીનું સંચાલન પણ કર્યું છે. 2012માં મલિકે લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસથી ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી લીધી છે.