News Continuous Bureau | Mumbai
Nobel Peace Prize નોર્વેજિયન નોબેલ સમિતિએ શુક્રવારે મારિયા કોરિના મચાડોને ૨૦૨૫ નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કર્યો છે. તેમને વેનેઝુએલાના નાગરિકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને હુકુમત શાહીમાંથી લોકશાહી તરફ ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્ણ માર્ગે જવા માટે કરેલા સંઘર્ષ માટે આ સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્લોમાં શુક્રવારે વિજેતાની જાહેરાત કરવામાં આવી. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે આ વર્ષે કુલ ૩૩૮ નામાંકન પ્રાપ્ત થયા હતા, જેમાં ૨૪૪ વ્યક્તિઓ અને ૯૪ સંસ્થાઓનો સમાવેશ થતો હતો.
નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ મારિયા કોરિના મચાડોને
આ જાહેરાતને કારણે, છેલ્લા કેટલાક દિવસોથી શાંતિનો નોબેલ પુરસ્કાર જીતવાનો પોતાનો દાવો રજૂ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે વિજેતા મારિયા કોરિના મચાડોને છેલ્લા એક વર્ષથી છુપાઈ રહેવાની ફરજ પાડવામાં આવી હોવા છતાં, તેમનો સંઘર્ષ ચાલુ જ છે. સમિતિએ કહ્યું, “તેમનો જીવ ગંભીર જોખમમાં હોવા છતાં, તે દેશમાં જ રહી. તેમની પસંદગી લાખો લોકોને પ્રેરણા આપશે.”
હુકુમશાહી સામે લાંબા દાયકાઓનો સંઘર્ષ
‘વેનેઝુએલાની આયર્ન લેડી’ તરીકે જાણીતા મારિયા કોરિના મચાડોનો હુકુમશાહી વિરુદ્ધનો સંઘર્ષ અનેક દાયકા જૂનો છે. તેમને હુકુમશાહીમાંથી ન્યાયપૂર્ણ, શાંતિપૂર્ણ લોકશાહી સંક્રમણ માટે કરેલા તેમના બહાદુરીભર્યા કાર્ય માટે આ પુરસ્કાર જાહેર થયો છે. મચાડોનો આરોપ છે કે વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પાછલી બે ચૂંટણીઓમાં દમન કરીને જીત મેળવી છે. માદુરોએ ચૂંટણી જીત્યાની ઘોષણા કર્યા પછી પણ મચાડોએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો, પરિણામે તેઓ ૧૪ મહિનાથી વધુ સમયથી ભૂગર્ભમાં છે.
આ સમાચાર પણ વાંચો : India Afghanistan: ભારતની ‘વાપસી’: લાંબા વિરામ બાદ કાબુલમાં ફરી ખુલશે ભારતીય દૂતાવાસ, જાણો તાલિબાન મુદ્દે શું છે મોટો નિર્ણય?
માચાડોની હિંમત: છુપાઈને પણ જારી રાખ્યો સંઘર્ષ
અયોગ્યતા, ધમકીઓ અને જબરદસ્તીથી ચૂપ કરાવવાના પ્રયાસો છતાં, મચાડોએ તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે. તે મુક્ત ચૂંટણીઓ અને કાયદાના શાસન માટે લડી રહ્યા છે. વેનેઝુએલા સરકારે રાજકીય હકો પર પ્રતિબંધ મૂક્યો છે અને વિરોધ પક્ષના ઉમેદવારોને ગેરકાયદેસર રીતે ગેરલાયક ઠેરવ્યા છે. આ ક્રૂર દમનના વિરોધમાં ભૂગર્ભમાં રહીને પણ મારિયા કોરિના મચાડોએ તેમનું કાર્ય ચાલુ રાખ્યું, જેના સન્માનમાં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.