ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
કોરોના બાદ હવે ચીનના હજી એક કૃત્યની ખૂબ જોરશોરથી વિશ્વસ્તરે ચર્ચા થઈ રહી છે. ચીનના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કૃત્રિમ સૂર્ય બનાવવાનો દાવો કર્યો છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, ચીન દ્વારા તૈયાર થયેલા કૃત્રિમ સૂર્યનો પ્રકાશ કુદરતી સૂર્ય કરતાં ૧૦ ગણો વધારે છે. ૧૦ સેકંડમાં, કૃત્રિમ સૂર્યનું તાપમાન ૧૬૦ મિલિયન ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. આ તાપમાન લગભગ ૧૦૦ સેકંડ સુધી જાળવવામાં આવ્યું હતું.
શેનજેનમાં યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજીના ફિઝિક્સ વિભાગના ડિરેક્ટર લી મિયાઓએ મીડિયાને કહ્યું છે કે “આગામી કેટલાંક અઠવાડિયાં માટે સ્થિર તાપમાને અમારે પ્રોજેક્ટ ચલાવવો પડશે. ૧૦૦ સેકંડ માટે ૧૬૦ મિલિયન ડિગ્રી તાપમાન જાળવવું એ પણ એક મોટી સફળતા છે.”
કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત
આ કૃત્રિમ સૂર્ય ચીનના અનહુઈ રાજ્યના એક રિઍક્ટરમાં બનાવવામાં આવ્યો છે. આમાં, પરમાણુ ફ્યુઝનની મદદ લેવામાં આવી છે, સામાન્ય રીતે આ તકનિક દ્વારા હાઇડ્રોજન બૉમ્બ બનાવવામાં આવે છે. આમાં, ગરમ પ્લાઝમાને ફ્યુઝ કરીને મજબૂત ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં આવે છે. એ વધારે પડતી ગરમી ઉત્પન્ન કરે છે.
ફ્રાન્સમાં પણ પરમાણુ ફ્યુઝન પર કામ કરવામાં આવી રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચ પ્રોજેક્ટ 2025માં પૂર્ણ થશે. આ ઉપરાંત કોરિયા પણ કૃત્રિમ સૂર્ય બનાવવામાં સફળ રહ્યું છે, જેનું તાપમાન ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચ્યું હતું અને ૨૦ સેકંડ સુધી સ્થિર રહ્યું હતું.