ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જાેકે, આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે ગણવો નહીં, કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિશ્વમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. બ્રિટનમાં તો જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ કેસ નોંધાઇ રહ્યા છે. શુક્રવારે અહીં ૨૪ કલાકમાં ૮૮ હજાર ૩૭૬ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. બ્રિટિશ આરોગ્ય અધિકારીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં કેસની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. બુધવાર અને ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત ૧૪૬ લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકાર બૂસ્ટર ડોઝ પણ ઝડપથી વધારી રહી છે. સમાચાર અનુસાર, બુધવારે ૭૪૫,૧૮૩ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. યુકેના અધિકારીઓએ કહ્યું છે કે કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દર બેથી ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે દેશમાં અન્ય ૧,૬૯૧ ઓમિક્રોન કેસની ઓળખ કરવામાં આવી છે, જેના કારણે કુલ કેસ વધીને ૧૧,૭૦૮ થઈ ગયા છે. જાેકે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે. ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસરનું કહેવું છે કે શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-૧૯થી દરરોજ હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા અગાઉની સંખ્યા કરતાં વધી જાય. જાે કે, તેમણે ચેતવણી આપી હતી કે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ભારે અનિશ્ચિતતા હજુ પણ છે. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જાેન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી ચેપના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-૧૯ રસીના બૂસ્ટર ડોઝ આપવાની ઝુંબેશ તેને રોકવામાં મદદ કરશે. જાેન્સને ઓમિક્રોનના ખતરાથી બચવા માટે આ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.