ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ સહિત દેશભરમાં દિવસેને દિવસે ઓમીક્રોનના કેસમાં સતત વઘારો થઈ રહ્યો છે. નવા વર્ષમાં એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ 2022 દરમિયાન કોરોનાની ત્રીજી લહેરની આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઓમીક્રોનનું સૌથી વધુ જોખમ નાના બાળકોને હોવાનું જણાઈ આવ્યું છે. અમુક દેશોમાં ઓમીક્રોનને કારણે બાળકોને હોસ્પિટલમાં મોકલવાનું પ્રમાણ વધારે રહ્યું છે.
ઓમીક્રોનનો પહેલો કેસ નોંધાવાના મહિનાની અંદર આ વેરિયન્ટ દુનિયાના 100થી વધુ દેશમાં ફેલાઈ ગયો છે. ભારતમાં પણ 15થી વધુ રાજ્યોમાં 300થી વધુ કેસ થઈ ચૂક્યા છે. ત્યારે નાના બાળકોને તેનું ચેપ લાગવાનું પ્રમાણ વધારે હોવાનું જણાઈ આવ્યું છે.
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના રિપોર્ટ મુજબ ઓમીક્રોન આવ્યા પછી તમામ વયના બાળકોમાં સંક્રમણનો દર વધ્યો છે. તેનો સૌથી વધુ પ્રભાવ પાંચ વર્ષથી નાની વયના બાળકો પર પડયો છે.
અમેરિકાના ટેક્સાસમાં પણ બાળકોને ઓમીક્રોનનો ચેપ લાગવાનું પ્રમાણ વધારે રહ્યું છે. અમેરિકન મિડિયા મુજબ ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના કો-ચેરમેન ડો. જિમ વર્સાલોવિકના મુજબ એક સપ્તાહમાં હોસ્પિટલમાં 18 વર્ષથી નાની વયના લોકોનું દાખલ થવાનું પ્રમાણ બમણું રહ્યું છે.
ઓમીક્રોન ફેલાયા પછી અમેરિકામાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ વધી ગયું છે. હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકોના મોટાભાગના પેરેન્ટસે વેક્સિન લીધી ન હોવાનું જણાઈ આવ્યું હતું.
અત્યાર સુધી ડેલ્ટાને કે અન્ય કોઈ વેરિયન્ટની બાળકો પર અસર ઓછી રહી છે. પરંતુ ઓમીક્રોનને કારણે બાળકોમાં હોસ્પિટલાઈઝેશનનો દર ડેલ્ટાની તુલનામાં 20 ટકા વધુ રહ્યો છે.
યુનિસેફના કહેવા મુજબ ભારત સહિત દુનિયાના 82 મુખ્ય દેશમાં કોરોનાની અત્યાર સુધી થયેલા કુલ 34 લાખ મોતમાંથી 0.4 ટકા એટલે કે લગભગ 12,000 મોત જ બાળકોના થયા છે. આંકડામાં 20 વર્ષથી નીચેની વયના કિશોરો અને બાળકોનો સમાવેશ થાય છે. આ 12,000 મોતમાંથી 42 ટકા મોત 0-9 વર્ષની વયના બાળકોની છે.
મુંબઈવાસીઓ નવા પ્રતિબંધો માટે થઈ જાવ તૈયાર. શું નાઈટ કરફર્યુ ની વાપસી થશે? આજે થશે જાહેરાત.
ભારતમાં ઓમીક્રોનથી પાંચ વર્ષથી નીચેના બાળકોને વધુ ચેપ લાગ્યો છે. તેમાંથી અનેક બાળકો એવા છે, જેમના માતા-પિતાએ વેકિસનનો એક પણ ડોઝ લીધો નથી.
બાળકોને ઓમીક્રોનથી બચાવવા માટે વેક્સિનેશન આવશ્યક છે. વિશ્ર્વના 30 દેશોમાં બાળકોનું વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. પરંતુ ભારતમાં હજી ચાલુ થયું નથી. ટૂંક સમયમાં જ ભારતમાં પણ 2થી 17 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવે એવું માનવામાં આવે છે.