ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
મૅક્સિકો દેશમાં યુવા ઉંમરે પહોંચે એ પહેલાં જ છોકરીઓને દુલ્હન તરીકે વેચી દેવાનો ધંધો પુરબહારમાં ચાલે છે. માતા-પિતા બે હજારથી લઈને 18 ડૉલર જેવી મામૂલી રકમ માટે પોતાની બાળકીઓને વેચી નાખતાં જરા પણ ખચકાટ નથી અનુભવતા.
દક્ષિણ મૅક્સિકોમાં સ્થાનિક સમુદાયોમાં આવી વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. જોકે હવે અનેક લોકો આ પરંપરાનો વિરોધ કરી રહ્યા છે. ગ્યુરેરો રાજ્યના પર્વતીય વિસ્તારોમાં અનેક યુવતીઓને તેમની મરજી વિરુદ્ધ નાની ઉંમરમાં જ વેચી દેવામાં આવી હતી. આ યુવતીઓએ હવે જોકે આ પરંપરાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. `અમે કંઈ જાનવર નથી કે અમને મામૂલી રકમમાં વેચી દેવામાં આવે.` એવી વ્યથા પણ અનેક સ્થાનિક યુવતીઓએ વ્યક્ત કરી છે.
સ્થાનિક ત્લાચિનોલન સેન્ટર ઑફ હ્યુમન રાઇટ્સ ઑફ ધ માઉન્ટના ડાયરેક્ટર એબલ બૈરેરાના કહેવા મુજબ અહીં છોકરીઓ સંર્પૂણ રીતે અસુરક્ષિત છે. મામૂલી રકમ માટે તેમને વેચી દેવામાં આવે છે. તેમનો નવો પરિવાર ઘર અને ખેતીનાં કામ કરાવે છે. તેમને ગુલામ બનાવી નાખે છે. એટલું જ નહીં, પણ તેમનું શારીરિક શોષણ કરવામાં આવે છે. તેઓ ઘરેલુ હિંસાનો ભોગ પણ બનતી હોય છે.
આ વિસ્તારમાં કામ કરતી NGOએ બહાર પાડેલી વિગત મુજબ ગ્યુરેરો પ્રાંત છોકરીઓની હાલત એકદમ દયનીય છે. મોટા ભાગની લગ્ન માટે વેચી દેવામાં આવી હતી, એમાંથી 9થી 17 વર્ષની વચ્ચેની 3,000 છોકરીઓએ બાળકોને જન્મ આપ્યો હતો.