News Continuous Bureau | Mumbai
Pakistan Ex- PM Imran Khan : પાકિસ્તાનમાં રાજકીય કિન્નાખોરી તેની ચરમસીમાએ પહોચી રહી છે.ભ્રષ્ટાચારના આરોપમાં ત્રણ વર્ષ માટે જેલભેગા કરીદેવાયેયલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને દેશના ચૂંટણી પંચ દ્વારા પાંચ વર્ષ માટે રાજકારણથી પ્રતિબંધિત પણકરવામાં આવ્યા છે. જણાતી એક સૂનયોજિત યોજના હેઠળ ઇમરાન ખાનના અત્યંત નજીકના સહયોગી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (PTI) ના વાઈસ ચેરમેન શાહ મહેમુદ કુરેશીની ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બલૂચિસ્તાન સરકારના પ્રવકતા તરીકે સેવા આપનાર અનવારુલ હક કાકરના નેતૃત્વ હેઠળ ની હાલની પાકિસ્તાનની “રખેવાળ સરકાર”એ ધરપકડ કરી છે. એવુ જણાઈ રહ્યુ છે કે સરકારના આ પગલા પાછળ પાકિસ્તાન લશ્કર, ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) નો દોરી સંચાર રહ્યો છે. શિરીન મઝારી,ફવાદ ચોધરી, ઈમરાન ઈસ્લામી,આસીમ મહેમુદ કિયાની, અલ ઝાએદી, મલિકા બોખારી, માલિક ખુર્રમ અલી ખાન,ત્તારીક મહેમુદઅલી, જમશેડ થોમસ,, નદીયા અઝીઝ જેવા નેતાઓ એક યા બીજા કારણોસર અને ખાસ કરીને મનાતા પાકિસ્તાનની અત્યંત શક્તિશાળી આ બન્ને સંસ્થાઓના મનાતા પરોક્ષ દબાણ, ડર હેઠળ પીટીઆઇને છોડી ચૂક્યા છે.એક રીતે જોવા જઈએ તો હવે કોઈ પ્રભશાળી નેતા શાહ મહેમુદ કુરેશીની ધરપકડ બાદ પાર્ટીનું અસરકારક નેતૃત્વ કરી શકે તેવુ જણાતું નથી. ઈમરાન ખાને કઠોર મહેનત થી ઉભી કરેલી પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ આજે નેતૃત્વ વગરની જણાઈ રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ગત પાંચ તારીખએ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તેમને રાજ્ય ભેટ કેસ -તોશાખાના કેસ માં “ભ્રષ્ટ વ્યવહારના ગુના” માટે દોષિત ઠેરવ્યા હતા. ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એમ કરી પાકિસ્તાને તેમના ભૂતપૂર્વ વડા પ્રધાનોને જેલમાં ધકેલી દેવા માટે તેની બદનામ જાળવી રાખી છે જ્યારે વારંવાર બંધારણનું ઉલ્લંઘન કરનારા લશ્કરી સરમુખત્યારો (૧૯૫૮-૧૯૭૧-જનરલ અયુબખાન,-જનરલ-યાહયા ખાન, ૧૯૭૭ થી ૧૯૮૮-જનરલ. ઝિયા ઉલ હક,અને ૧૯૯૯ થી૨૦૦૮ જનરલ. પરવેઝ મુશર્રફ)સામે કોઈ પગલાં લેવાથી પાકિસ્તાનનાં સત્તાધીશો કે કોર્ટ આજ સુધી કોઈ કાર્યવાહી કરવાથી દૂર રહ્યા છે.તોષાખાના એ કેબિનેટ વિભાગ હેઠળનો એક વિભાગ છે જે અન્ય સરકારોના વડાઓ અને વિદેશી મહાનુભાવો દ્વારા શાસકો અને સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોનો સંગ્રહ કરે છે. ૭૦ વર્ષીય નેતાને તોશાખાનામાંથી ભેટો ખરીદવા અને વેચાણ કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે જે પૈસા કમાયા હતા તે અંગે પાકિસ્તાનના ચૂંટણી પંચને જાણ કરવામાં નિષ્ફળ ગયા હતા જેના માટે તેમના પર છુપાવવાનો આરોપ હતો જે કાયદા હેઠળ ગુનો છે.અનુકૂળ સમયમાં ઈમરાન ખાન કદાચ કોર્ટ દ્વારા ચેતવણી અથવા દંડ સાથે છટકી શક્યા હોત,તે નસીબથી બચતા આવ્યા હતા પરંતુ પાકિસ્તામાં અત્યંત શક્તિશાળી લશ્કરી સંસ્થાનો વિરુદ્ધ તે થયા ત્યારથી તેમનુ સુરક્ષા કવચ હટી ગયુ હતુ. પાકિસ્તાનને તેનો પહેલો વર્લ્ડ ક્રિકેટ કપ અપાવનાર અને પ્લેબોય તરીકે ખ્યાતિ પામનાર ઈમરાન ખાનની એક ક્રિકેટરથી રાજકારણી તરીકેની સફર રસપ્રદ અને સંઘર્ષમય રહી છે.પાકિસ્તાનના ૨૨ મા વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનનું આરોહણ ખરેખર તેમના ૨૭ વર્ષના રાજકીય સંઘર્ષનું અદભૂત પરિણામ છે. તેમણે ૨૫ એપ્રિલ ૧૯૯૬ ના દિવસે તેમના પક્ષ, પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ની સ્થાપના કરી,તેમની મુખ્ય વિચારધારા પાકિસ્તાનને ઇસ્લામિક સમાજવાદને સમર્થન આપતા એક મોડેલ કલ્યાણ રાજ્યમાં ફેરવવા અને પાકિસ્તાની લઘુમતીઓ સામેના ધાર્મિક ભેદભાવને દૂર કરવા પર છે.પીટીઆઈ પોતાને સમતાવાદ પર કેન્દ્રિત ઈસ્લામિક લોકશાહીની હિમાયત કરતી સ્થિતિ-વિરોધી ચળવળ તરીકે ઓળખાવે છે. પાર્ટીનું મુખ્ય સૂત્ર “ન્યાય, માનવતા અને આત્મસન્માન” છે.સાલ ૨૦૧૧ સુધી, તેમણે કથિત રીતે ‘ઇલેક્ટેબલ’ના રાજકારણને ધિક્કાર્યું હતું. તેમના મતે, આ તકવાદી પક્ષો અને સરકારોને સમર્થન અને ભ્રષ્ટાચારની રાજનીતિ તરફ દોરી જાય છે. આમ તેઓ શરુઆતમાં મેરાજ મુહમ્મદ ખાન જેવા સીધા અને આદરણીય રાજકારણીઓ સાથે જોડાયા હતા. જોકે, પીટીઆઈ પાકિસ્તાની રાજનીતિના કિનારેજ જોવા મળી હતી.વર્ષ ૧૯૯૯ માં, જનરલ પરવેઝ મુશર્રફના ભ્રષ્ટાચાર અને રાજકીય માફિયાઓને ખતમ કરવાના નારાએ મુશર્રફની લશ્કરી સરમુખત્યારશાહીને ટેકો આપ્યો હતો. ઈમરાનખાની પીટીઆઈએ સાલ ૨૦૦૨ની પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીમાં બેઠક જીતી હતી, તેમના કહેવા પ્રમાણે, મુશર્રફે તેમનેસાલ ૨૦૦૨માં વડાપ્રધાન બનવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. ૨૦૦૨ના લોકમતમાં, ઈમરાન ખાને લશ્કરી સરમુખત્યારના જનમત સંગ્રહને સમર્થન આપવાની જાહેરાત કરી હતી, જ્યારે તમામ મુખ્ય પક્ષોએ જનમત સંગ્રહને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેનો સખત વિરોધ કર્યો. તેમણે વર્ષ ૨૦૦૭ સુધી મિયાંવાલીથી વિપક્ષી સભ્ય તરીકે સેવા આપી હતી.સાલ ૨૦૦૭ થી ૨૦૧૧ ની શરુઆત સુધીમાં પીટીઆઈએ પોતાનુ “રાજકીય પ્લેટફોર્મ” મજબૂત કર્યું હતુ.૩૦ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ, ઇમરાન ખાને લાહોરમાં એક લાખથી વધુ સમર્થકોને સંબોધિત કર્યા, સરકારની નીતિઓને પડકારતા કહ્યું કે નવા ફેરફારો શાસક પક્ષો સામે “સુનામી” છે.ત્યારથી, ઇમરાન ખાન શાસક પક્ષો અને પાકિસ્તાનની ભાવિ રાજકીય સંભાવનાઓ માટે ખતરો બની રહ્યા છે. રેલીની સફળતાએમીડિયા અને રાજકારણીઓ બંનેને સ્તબ્ધ કરી દીધા. ઘણા લોકો માને છે કે પીપીપી સરકાર વચ્ચેના તીવ્ર વિભાજનને પગલે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) એ તત્કાલીન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સરકારને ઉથલાવી પાડવા માટે સંપૂર્ણ રીતે જોડવામાં અસમર્થ હતા તે પછી તેને દેશની શક્તિશાળી લશ્કરી સંસ્થા દ્વારા ટેકો મળ્યો હતો. અને ઈમરાનખાન પ્રથમ વખત ગંભીર દાવેદાર બન્યાહતા. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૩ વચ્ચે ઈમરાન ખાન અને નવાઝ શરીફ વચ્ચે કડવાશ અને આરોપોની આપ-લે થઈ હતી. પીએમએલ-એન અને પીટીઆઈ એપ્રિલ ૨૦૧૩ થી ચૂંટણી પ્રચારમાં એકબીજાની ટીકા કરી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : RBI : અકોલા મર્ચન્ટ કોઓપરેટિવ બેંકનું અસ્તિત્વ સમાપ્ત…. આરબીઆઈએ આ બેંક સાથે મર્જરને મંજૂરી આપી.. જાણો આ બેંકના ખાતાધારકોને કેવી રીતે મળશે પૈસા…
આ ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઓ પાકિસ્તાનને અમેરિકાના યુદ્ધમાંથી બહાર કાઢીઆદિવાસી વિસ્તારોમાં શાંતિ લાવશે. ૨૦૧૩ થી ૨૦૧૮ ના મધ્ય ગાળા દરમ્યાન પીટીઆઈએ પોતાની મજબૂત ભૂમિકા તૈયાર કરી લીધી હતી જેને જનતાનો ટેકો મળ્યો હતો અને તેને પાકિસ્તાનનુ લશ્કર અને આઇએસઆઈ “પીઠબળ” પુરુ પાડી રહ્યુ હોવાનુ કહેવાતું હતુ. નવા પાકિસ્તાનના સ્લોગન સાથેસાલ ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી પીટીઆઈનો વિજય થયો હતો. ૧૭ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ, ઈમરાન ખાન ૧૭૬ મતો મેળવીને પાકિસ્તાનના ૨૨માં વડા પ્રધાન બન્યા, જ્યારે તેમના વિરોધી અને વિરોધ પક્ષના નેતા શહેબાઝ શરીફે ૯૬ મત મેળવ્યા હતા.ઈમરાન ખાન ની સત્તા ૨૦૧૮ થી એપ્રિલ ૨૦૨૨ સુધી રહી.૮ માર્ચ ૨૦૨૨ના રોજ,પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝપાકિસ્તાન પીપલ્સ પાર્ટી જેવા મુખ્યવિરોધ પક્ષોના પ્રતિનિધિઓએ ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં દરખાસ્ત દાખલ કરી, તેમને પદ પરથી હટાવવાની માંગણી કરી, જ્યારે તેમના કથિત વર્ણસંકર શાસન પર નબળા શાસન, વિરોધીઓનો રાજકીય શિકાર અને અર્થવ્યવસ્થા અને વિદેશનીતિનું ગેરવહીવટ કરવાનો આરોપ લગાવ્યો હતો.એપ્રિલ ૨૦૨૨ માં સંસદમાં અવિશ્વાસ મતમાં સત્તા પરથી તેમને હટાવવામાં આવ્યા હતા.અવિશ્વાસની દરખાસ્ત અને કટોકટી માટે ઘણા પરિબળો એ ભૂમિકા નિભાવી.યુક્રેન યુદ્ધ,વધતી જતી વેપાર ખાધ ,વધતો ફુગાવો, ચલણનું અવમૂલ્યન, જંગી બાહ્ય દેવું અને ભ્રષ્ટાચાર મુખ્ય પરિબળ હતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તળીએ જઇ રહીહતી ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના રોલ આઉટથી દેશના દેવાના બોજમાં વધારો થયો હતો.ઈમરાનખાન ની સત્તા પરથી હાકાલપટ્ટીબાદ તેમના પર એકસો પચાસ કેસ થયા.ઈમરાનખાન પછી શહેબાઝ શરીફના નેતૃત્વ હેઠળની ખીચડી સરકારે ઈમરાનખાનને ચેનથી રહેવા દીધા નથી ગત મે માહિનામાં તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં પ્રચંડ હિંસા થઈ હતી. હાલ ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા થઈ છે અને ચૂટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શહેબાઝ શરીફએ ગત ૧૦મી તારીખે પાકિસ્તાનની સંસદ ભંગ કરી છે ને નવી રખેવાળ સરકાર હાલ દેશનો વહિવટ સંભાળી રહી છે.પાકિસ્તાનમાં હવે ચૂટણીનુ ભવિષ્ય અદ્ધર તાલ જણાઈ રહ્યુ છે. ચૂટણી થશે કે નહી તે પણ એક મોટો પ્રશ્ન છે. પણ એક વાત સ્પસ્ટ છેકે ઈમરાન ખાનપર મોટુ સંકટ તોળાઈ રહ્યુ છે તેમને આતંકવાદીઓનો સમાવેશ કરતી જેલમાં રાખવામા આવ્યા છે.પાર્ટીનુ ભવિષ્ય અંધકારમય છે તે દર્શાઇ રહ્યુ છે.જેના માટે જવાબદાર ઈમરાનખાન પોતે છે ઈમરાન ખાનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફના પતનમાં ઈમરાનખાનનુ પાકિસ્તાન લશ્કર,આઈએસઆઈ,તહરિકએ તાલિબાન પાકિસ્તાન, અને અમેરિકા વિરૂદ્ધનું કટ્ટર વલણ મુખ્ય રહ્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે. પાકિસ્તાનની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતીને જોતાં એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે ખરેખર ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાશે? જવાબ ભાવીના ગર્ભમા છુપાયો છે.

Mr. Mitin Sheth