ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધી રહેલા સંક્ર્મણને પગલે ફ્રાન્સમાં ફરી એકવાર એક માસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરની સામે લડવા માટે ફ્રાન્સની સરકારે આ બીજું લોકડાઉન જાહેર કર્યું છે. ફ્રાંસમાં ગુરૂવારે સાંજે લોકડાઉનની જાહેરાત બાદ લોકોમાં હલચલ મચી ગઇ હતી અને તેના પગલે પેરિસમાં 700 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ લાગી જતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. લોકો જરૂરી ચીજ વસ્તુ ખરીદવા ઉમટી રહ્યા છે.
આ બીજા લોકડાઉનની જાહેરાત થતા જ લોકો પોતાની કાર લઇને નીકળી પડયા હતાં.લોકો પોતાના પરિવાર – મિત્રો પાસે જવા લાગ્યા હતાં. લોકડાઉનને કારણે લોકોએ ૧ મહિના સુધી પોતાના ઘરમાં રહેવુ પડશે. આના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ સરકારે લોકોને ખાતરી આપી છે કે લોકડાઉન દરમિયાન જરૂરી ચીજો પુરી પાડવામાં આવશે. સાથે અનાજ અને દવાઓ પણ લોકોને મળતી રહેશે. દરમિયાન હોસ્પિટલના કામ માટે તેમજ અન્ય ઈમરજન્સી કામ માટે લોકો બહાર નીકળી શકશે.
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીના લીધે ફ્રાન્સની હાલત વધુ ખરાબ થઈ રહી હતી અને રોજ અગણિત કેસ બહાર આવી રહ્યા હતા માટે ફ્રાન્સમાં એક માસના બીજી વખતના લોકડાઉનની જાહેરાત થઈ છે અને યુરોપના બીજા દેશો પણ કદાચ આ પગલાનું અનુકરણ કરે તેવી શકયતા છે.
