ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટલી ગયા છે. આજે મોદી રોમમાં પૉપ ફ્રાંસિસની મુલાકાત લેવાના છે. લગભગ 30 મિનિટ સુધી તેમની મુલાકાત ચાલશે એવું અનુમાન છે. બેઠકનો કોઈ ચોક્કસ એજન્ડા નથી, પરંતુ વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે ચર્ચા થવાની શક્યતા છે.
સૂત્રોના કહેવા મુજબ પૉપ અને મોદી વચ્ચેની આ બેઠકને જોકે ભાજપ માટે બહુ મહત્ત્વની માનવામાં આવે છે. ગોવામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એથી ચૂંટણી પહેલાંનો આ પ્રવાસ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગોવામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાય વસે છે. ભાજપ માટે આ સમુદાયના મત બહુ મહત્ત્વના છે. તેમના સાથ-સહકાર વગર ગોવામાં સરકાર બનાવવી અને રાજ કરવું મુશ્કેલ છે. એ સિવાય રોમન કૅથલિક ચર્ચનો પ્રભાવ પણ કેરળમાં બહુ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયની કેરળમાં વસતી વધુ છે. એથી ભાજપ કેરળમાં પોતાને મજબૂત બનાવવા માગે છે. એથી પૉપ સાથેની મુલાકાતથી ગોવા સહિત કેરળમાં જ નહીં, પણ દેશનાં અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ ફાયદો થઈ શકે છે.