ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
શારદાપીઠ મંદિરની તીર્થયાત્રા શરૂ કરવા માટે અભિયાન ચલાવી રહેલી સેવ શારદા કમિટી(એસએસસી)એ મંદિર નિર્માણની સાથે અહીં ધર્મશાળા નિર્માણ પણ શરૂ કર્યું છે. કાશ્મીરી પંડિતોએ તેને ઐતિહાસિક અવસર ગણાવ્યો છે. એસએસસી પ્રમુખ રવિન્દર પંડિતે કહ્યું કે તીતવાલમાં મંદિર નિર્માણવાળી જગ્યામાં પડતા માર્ગ પર વાર્ષિક છડી મુબારક લેવાતી હતી. સ્થાનિક મુસ્લિમોની મદદથી એસએસસીએ જમીનને પ્રાપ્ત કરી. શિલાન્યાસ સમારોહ બાદ કિશનગંગા નદી પર ઝીરો લાઇન પર બનેલા પુલ પર પવિત્ર જળ વિસર્જિત કરાયું.શારદાપીઠ જે હવે શારદા ગામમાં નીલમ નદીના કિનારે એક પરિત્યક્ત મંદિર છે ક્યારેક મુખ્ય શિક્ષણ કેન્દ્ર હતું. તે દ.એશિયાના ૧૮ સૌથી પવિત્ર મંદિરોમાંથી એક છે. એક સમય એવો હતો જ્યારે વૈશાખી પર કાશ્મીરી પંડિતો સહિત ભારતના લોકો તીર્થાટન કરવા શારદાપીઠ જતા હતા. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની વક્ફ વિકાસ સમિતિના અધ્યક્ષ દરક્ષાન અંદ્રાબીએ મંદિરની આધારશિલા મૂકી હતી. તીતવાલમાં મંદિર નિર્માણની સાથે શારદા લિપિ અને શારદાપીઠની સાથે રિસર્ચને પ્રોત્સાહન આપવા એક સેન્ટર પણ બનશે.સ્થાનિક મુસ્લિમો સાથે મળીને કાશ્મીરી પંડિતોએ કૂપવાડાના તીતવાલ વિસ્તારમાં એલઓસી નજીક એક નાનકડા શારદા મંદિરનું નિર્માણ શરૂ કરી દીધું છે. શારદાપીઠ કાશ્મીરી પંડિતો માટે એક પવિત્ર તીર્થસ્થળ છે જે હાલના સમયે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છે. ૧૯૪૭થી પહેલાં તીર્થયાત્રી તીતવાલના માર્ગે જ ત્યાં જતા હતા. કાશ્મીરી પંડિતો લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે તેમને પીઓકેમાં જવાની મંજૂરી આપવામાં આવે.