ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
સ્પેનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દેશના સંસદમાં ચાલતી કાર્યવાહી વચ્ચે વિપક્ષી પક્ષોને બદલે એક ઉંદરને કારણે હોબાળો થયો હતો. સ્પેનમાં સંસદમાં મતદાન દરમિયાન એક મોટો ઉંદર ઘૂસી આવ્યો હતો. એથી ત્યાં હાજર રહેલા સાંસદોએ અફરાતફરી કરી મૂકી હતી. આખરે આ ઉંદર પકડાઈ ગયો હતો, પરંતુ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાત એમ છે કે સ્પેનની સંસદમાં સુસન ડાયઝની નિમણૂક અંગે મતદાન થવા જઈ રહ્યું હતું. આ સમયે અધ્યક્ષા માર્ટા બાસ્કેટ સમયે બોલી રહ્યાં હતાં. એ સમયે અચાનક તેઓએ એક મોટો ઉંદર જોયો હતો. એથી સંસદમાં બધા સાંસદોએ ભાગદોડ કરી મૂકી હતી. ઘણા સાંસદોએ ખુરશીઓ છોડી દીધી અને ટેબલ પર ચઢી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આખરે સંસદના કર્મચારીઓએ ઉંદરને પકડી લીધો અને બહાર જઈ તેને છોડી મૂક્યો હતો. આ દરમિયાન એક મીડિયા હાઉસે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે, જે હવે વાયરલ થયો છે.