News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારીએ માજા મૂકી છે. શ્રીલંકામાં મોંઘવારી એટલી વધી ગઇ છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજપક્ષે પરિવારની ‘ખોટી નીતિઓ’ અને ચીન પાસેથી જંગી લોન લીધા બાદ ભારતનો આ પાડોશી દેશ નાદારીનો સામનો કરી રહ્યો છે અને મોંઘવારીએ દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. અહીં સ્થિતિ એ છે કે, શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે તેને ખરીદવી એ સામાન્ય લોકોની શક્તિ બહારની વાત બની ગઈ છે અને દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા ઊંડી નાણાકીય અને માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશ ૨૦૨૨માં નાદાર થઈ શકે છે. દેશમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને શાકભાજીથી લઈને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. શ્રીલંકામાં ખાદ્યપદાર્થોની કટોકટી એટલી વધી ગઈ છે કે ત્યાંના લોકો માટે સોનું ખરીદવા કરતાં દૂધ ખરીદવું વધુ મુશ્કેલ બની ગયું છે.
આ સમાચાર પણ વાંચો : અર્થતંત્ર પાટા પર, દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો; જાણો ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર
શ્રીલંકા તેના સૌથી ખરાબ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી છે અને શ્રીલંકા ચીન સહિત અનેક દેશોના દેવા હેઠળ નાદારીની આરે છે. જાન્યુઆરીમાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર 70% ઘટીને $2.36 બિલિયન થયો છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે, શ્રીલંકા વિદેશમાંથી ખોરાક, દવા અને બળતણ સહિતની તમામ આવશ્યક ચીજોની આયાત કરવામાં અસમર્થ છે.
શ્રીલંકામાં એલપીજીની તીવ્ર અછત છે, જેના કારણે એક હજાર બેકરીઓ બંધ કરવી પડી છે. અઠવાડિયાની શરૂઆતમાં, એક ઉદ્યોગ સંગઠને માહિતી આપી હતી કે દેશમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવને કારણે, ગેસ ઉપલબ્ધ નથી, જેના કારણે બેકરીઓ બંધ કરવી પડી છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની આર્થિક દુર્દશાનો ભોગ માત્ર ગરીબો જ નથી, પરંતુ ઉંચી કમાણી કરતા નોકરીયાતો પણ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. શ્રીલંકામાં રીંગણના ભાવમાં ૫૧ ટકાનો વધારો થયો છે અને દેશમાં હવે રીંગણ ૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ડુંગળીના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે, જ્યારે બટાકાની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે, જેના કારણે શ્રીલંકાના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.