ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
કોરોનાના લીધે ઘણા બધા દેશોમાં પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોંચી છે. કોરોનાના વધતા જતા કેસોના લીધે પ્રવાસન ઉદ્યોગ નવા નવા પગલા લઇ રહ્યા છે. આ જ ક્રમમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પર્યટનને ઝડપી કરવા એક પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એન્ટ્રી પોર્ટ પર આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન જારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ફેબ્રુઆરી ૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. શ્રીલંકાની સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને ટાપુ દેશમાં પર્યટન ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
જો કે આ શ્રીલંકા સરકારે પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોને ઝટકો આપ્યો છે. આ સુવિધા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, નાઈજીરિયા, ઘાના, આઈવરી કોસ્ટ, કેમરૂન, મ્યાનમાર, નેપાળ અને ઉત્તર કોરિયાના પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ રહેશે નહીં.
શ્રીલંકાની આવકનો મોટો હિસ્સો પ્રવાસનમાંથી આવે છે. શ્રીલંકા એશિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. રોગચાળા પહેલાના દિવસોમાં, ભારત લંકાનું સૌથી મોટું ઇનબાઉન્ડ ટુરિઝમ માર્કેટ હતું. કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગને ઘણી અસર થઈ છે.