Sunita Williams health update:ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના ઝડપી વજન ઘટાડાએ નાસાના ડોકટરો સામે નવો પડકાર ઉભો કર્યો છે. જૂનમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર આવ્યા બાદથી તેનું વજન સતત ઘટી રહ્યું છે, જે ડોક્ટરો માટે ચિંતાનો વિષય બની ગયો છે. અમેરિકન ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, નાસાના નિષ્ણાતો તેના વજનને સામાન્ય સ્તર પર લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
Sunita Williams health update: સુનીતાનું વજન ઘટ્યું
હાલમાં જ રિલીઝ થયેલી તસવીરોમાં સુનિતા વિલિયમ્સનો સ્લિમ લુક જોઈને એક્સપર્ટ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર, નાસાના એક અધિકારીએ કહ્યું કે સુનીતાએ નોંધપાત્ર વજન ઘટાડ્યું છે અને હવે તે ખૂબ જ પાતળી દેખાય છે. અધિકારીનું કહેવું છે કે આ સ્થિતિમાં પ્રાથમિકતા તેનું વજન સામાન્ય કરવાની છે.
મહત્વનું છે કે સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બેરી વિલ્મોરને આ વર્ષે 5 જૂનના રોજ બોઇંગ સ્ટારલાઇનર પર અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમનું મિશન માત્ર આઠ દિવસનું હતું, પરંતુ સ્ટારલાઈનર સાથેની ટેકનિકલ મુશ્કેલીઓએ તેમના અવકાશમાં રોકાણને લંબાવ્યું. આ સમયગાળા દરમિયાન લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા રહેવાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી છે. હવે તેમનું અવકાશ મિશન આઠ મહિના લંબાવવામાં આવ્યું છે અને તેઓનું પૃથ્વી પર પાછા ફરવું ફેબ્રુઆરી 2025 સુધીમાં જ શક્ય બનશે. તેથી હવે નાસા તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાળવી રાખવા માટે સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે.
Sunita Williams health update:વજન ઘટવાના અહેવાલો પર આપ્યો આ જવાબ
વજન ઘટવાના અહેવાલો વચ્ચે સુનિતા વિલિયમ્સે નાસા સાથેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે.’ સુનિતા વિલિયમ્સ આ જ વર્ષે 8 દિવસના મિશન પર અંતરિક્ષમાં ગયાં હતાં, પરંતુ 150 દિવસ વીતી ગયા પછીયે પરત ફરી શક્યા નથી.
Sunita Williams health update:અવકાશ યાત્રા મહિલાઓ પર વધુ નકારાત્મક અસર કરે છે
જણાવી દઈએ કે નાસાના ડોકટરોએ લગભગ એક મહિના પહેલા સુનિતાની સ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું, જેથી તેની સ્થિતિ સુધારવા માટે અસરકારક પગલાં લઈ શકાય. સુનિતાને તેના શરીરની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા અને સંતુલિત વજન જાળવવા માટે દરરોજ 5000 કેલરી ખાવાની સૂચના આપવામાં આવી છે. નાસાના કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે અવકાશ યાત્રા મહિલાઓ પર વધુ નકારાત્મક અસર કરે છે. 2023ના અભ્યાસ મુજબ, મહિલાઓ અવકાશ યાત્રા દરમિયાન પુરુષો કરતાં વધુ સ્નાયુઓ ગુમાવે છે. આ કારણોસર, મહિલા અવકાશયાત્રીઓએ વધુ સાવચેત રહેવું પડશે.