News Continuous Bureau | Mumbai
Thailand Train Tragedy: થાઈલેન્ડની રાજધાની બેંગકોક પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બેંગકોકથી ઉત્તર-પૂર્વી થાઈલેન્ડ તરફ જઈ રહેલી એક ટ્રેન પર નિર્માણ કાર્યમાં વપરાતી ક્રેન પડવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ઉબોન રત્ચથની પ્રાંત તરફ જઈ રહી હતી ત્યારે હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી એક વિશાળ ક્રેન અચાનક ટ્રેનના એક ડબ્બા પર પડી હતી. ક્રેન પડતાની સાથે જ ટ્રેન પલટી ગઈ હતી અને તેમાં ક્ષણભર માટે આગ પણ લાગી હતી. પોલીસ અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
બેંગકોકથી 230 કિમી દૂર સર્જાઈ દુર્ઘટના, બચાવ કાર્ય જારી
આ દુર્ઘટના બુધવારે સવારે બેંગકોકથી અંદાજે 230 કિલોમીટર દૂર નાખોન રત્ચાસિમા પ્રાંતમાં બની હતી. સ્થાનિક પોલીસ ચીફ થચાપોન ચિન્નાવોંગે જણાવ્યું હતું કે, ક્રેન ટ્રેનના મધ્યના ડબ્બા પર પડવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે અનેક મુસાફરો ડબ્બાની અંદર ફસાઈ ગયા હતા. ગેસ કટર અને આધુનિક મશીનોની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Sanjay Raut vs Election Commission: ‘ચૂંટણી પંચે સત્તાધારીઓને પૈસા વહેંચવા માટે છૂટ આપી’; સંજય રાઉતનો ચૂંટણી પંચના પક્ષપાત પર મોટો પ્રહાર.
હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની બેદરકારી આવી સામે?
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ક્રેન હાઈ-સ્પીડ રેલ લાઇન માટે સ્તંભો ઉભા કરવાની કામગીરી કરી રહી હતી. ચાલતી ટ્રેન વખતે ક્રેનનું કામ ચાલુ રાખવા બદલ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. થાઈલેન્ડ સરકારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.
થાઈલેન્ડમાં ટ્રેન નેટવર્ક અને સુરક્ષાના સવાલો
થાઈલેન્ડમાં રેલવે નેટવર્કનું આધુનિકીકરણ ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રકારના મોટા અકસ્માતે સુરક્ષાના નિયમો પર ચર્ચા જગાવી છે. અકસ્માત બાદ બેંગકોકથી ઉત્તર-પૂર્વ જતી તમામ ટ્રેનોને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. રેલવે ટ્રેક પર પડેલી ક્રેન અને ટ્રેનના કાટમાળને હટાવવા માટે ભારે મશીનરી મંગાવવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.