ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાકાળ વચ્ચે બેલ્જિયમમાં એક અજબ કિસ્સો બન્યો છે. સૈન્યનો એક ઉચ્ચ કક્ષાનો કુશળ અધિકારી ચાર રૉકેટ લૉન્ચર, મશીનગન અને પિસ્તોલ લઈને નાસી ગયો છે. અધિકારીજર્ગને આવું કેમ કર્યું એની પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તેમને જણાવા મળ્યું હતું કે બેલ્જિયમના લોકડાઉનથી આ અધિકારી રોષે ભરાયો હતો અને તેથી તે શસ્ત્રો લઈ ભાગી ગયો હતો.
હકીકતે બેલ્જિયમના જાણીતા વાઇરોલોજિસ્ટ માર્ક વેન રેન્સ્ટે મીડિયાને વારંવાર જણાવ્યું હતું કે "લોકડાઉન લાદવું જ જોઈએ. જો કોરોનાને કાબૂમાં રાખવો હોય તો કડક પ્રતિબંધો લાદવાં જ જોઈએ." તેમનાં મંતવ્યો સાંભળ્યા પછી જર્ગન નારાજ થઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા જર્ગને ઘણા પત્રો લખ્યા, જેમાંથી એક તેણે પોતાના પરિવારને લખ્યો હતો. એમાં જર્ગને કહ્યું હતું કે “રાજકારણીઓ અને વાઇરોલોજિસ્ટ્સે બધું આપણાથી છીનવી લીધું છે. મને આવા સમાજમાં રહેવાની ઇચ્છા નથી.” આ ચિઠ્ઠી મળતાં તેના પરિવારે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.
જ્યારે અધિકારીઓએ જર્ગનને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમને જાણ થઈ કે જર્ગન શસ્ત્રો સાથે ભાગી ગયો છે. માર્ક રેન્સ્ટે લોકડાઉનના આપેલા નિવેદન બાદ ગયા વર્ષે જર્ગને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે “રેન્સ્ટનું સરનામું કોણ જાણે છે?” આ ટ્વીટ પછી, એક ઉચ્ચ કુશળ સૈનિક તરીકે નામના પ્રાપ્ત કરનાર જર્ગનને ઑફિસના નિયમો અંતર્ગત સજા પણ આપવામાં આવી. દરમિયાન રેન્સ્ટે દાવો કર્યો છે કે જર્ગન ગાયબ થઈ જતાં પહેલાં તે તેના શહેરમાં આવ્યો હતો અને તેના પર નજર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જર્ગને યુગોસ્લાવિયા, લેબેનોન, ઇરાક અને અફઘાનિસ્તાનમાં સેવા આપી હતી. તે શસ્ત્રો સંભાળવામાં કુશળ છે, એથી તેને પકડવો એક મોટો પડકાર છે. તેની શોધ માટે ૪૦૦ સૈનિકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.