ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
બાળકોથી માંડી વૃદ્ધોને દરેકને આકાશમાં ચમકતા ચાંદ -સિતારા માટે કુતૂહલ હોય છે. બ્રહ્માંડ વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. આકાશના ગ્રહો વિશે વૈજ્ઞાનિકો વર્ષોથી રહસ્યો ઉકેલવા સંશોધન કરી રહ્યા છે. એવામાં એક બાળકીએ એવી કરામત કરી છે કે દુનિયા તેને વખાણી રહી છે. જે ઉંમરમાં બાળકોને બરાબર લખતા-વાંચતા પણ ન આવડતું હોય તે ઉંમરમાં આ બાળકીને વૈજ્ઞાનિક તરીકે લોકો ઓળખવા લાગ્યા છે.
બ્રાઝિલની ૮ વર્ષની નિકોલ ઓલિવેરા દુનિયાની સૌથી નાની વયની ખગોળ વૈજ્ઞાનિક ગણાય છે. આ ઉંમરે નાસાના એક પ્રોગ્રામમાં ભાગ લઈને ૧૮ એસ્ટ્રોઈડ તેણે શોધી કાઢ્યા છે. તો ઘણા ઇન્ટરનેશનલ સેમિનારમાં તેણે ભાગ લીધો છે. પોતાના દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો સાથે નિકોલે મુલાકાત લીધી છે.
બ્રાઝિલના વિજ્ઞાન મંત્રાલય સાથે મળીને નાસા એક પ્રોગ્રામ દ્વારા યુવાનોને તક આપે છે. જેમાં તેઓ જાતે જ સ્પેસ સાથે જોડાઈને નવા રહસ્યો ઉજાગર કરે. આ પ્રોગ્રામ દ્વારા બાળકોમાં બ્રહ્માંડ બાબતે દિલચસ્પી વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
નિકોલે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે તેણે 18 ઉલ્કાપિંડ શોધી કાઢ્યા છે. આ એસ્ટરોઇડને તે બ્રાઝિલના જાણીતા વૈજ્ઞાનિકોના અથવા તેના માતા-પિતાનું નામ આપશે . જોકે હજી આ બાળકીએ શોધેલા એસ્ટરોઇડના પ્રમાણની તપાસ થઈ નથી પણ અગર તેનો દાવો સાચો નિકળ્યો તો તે દુનિયાની સૌથી નાની ઉંમરની વૈજ્ઞાનિક બની જશે.
નિકોલના ખગોળશાસ્ત્રના શિક્ષકનું કહેવું છે કે નિકોલની નજર બહુ તેજ છે. તે ઘણીવાર પોતાના મિત્રોને ઉલ્કપિંડ વિશે જણાવતી હોય છે. નિકોલની માતાએ જણાવ્યું હતું કે નિકોલ ફક્ત બે વર્ષની હતી ત્યારે આકાશમાં તારાઓ જોઈને તે તારાઓની માગણી કરતી હતી.
Join Our WhatsApp Community