ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
જાપાન વિશ્વની સૌથી સલામત અને ઝડપી ટ્રેન મુસાફરી માટે પ્રખ્યાત છે. જાપાન સમય અને નિયમોના કડક પાલન માટે પણ જાણીતું છે. આ દેશમાં તાજેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. જાપાનમાં બુલેટ ટ્રેનનો ડ્રાઇવર શૌચાલય ગયો હતો અને દોડતી ટ્રેનની જવાબદારી કન્ડક્ટરને સોંપી ગયો હતો. ત્રણ મિનિટ માટે ટ્રેન છોડી ગયેલા ડ્રાઇવર પર હવે સખત કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટ્રલ જાપાન રેલવે કંપનીએ કહ્યું કે આ ઘટના ૧૬ મેના રોજ બની હતી. એ સમયે ૧૫૦ કિમી/કલાકની ઝડપે દોડતી આ હાઈસ્પીડ ટ્રેન 'હિકારી-૬૩૩૩'માં ૧૬૦ મુસાફરો હતા. ટ્રેનનો ચાલક કૅબિનમાંથી નીકળીને ટૉઇલેટમાં ગયો. તેણે કન્ડક્ટરને ધ્યાન રાખવા કહ્યું હતું. જોકેટ્રેન સાથે કોઈ જ અકસ્માત કે દુર્ઘટના બની નહોતી. કંપનીએ ત્યાંના મીડિયાને જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા માટે તે ડ્રાઇવર અને કન્ડક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે જો બુલેટ ટ્રેનનો ડ્રાઇવર કોઈપણ કારણસર કૅબિન છોડવા માગે તો તે કન્ડક્ટરને જવાબદારી સોંપી શકે છે, પરંતુ કન્ડક્ટર પાસે લાઇસન્સ હોવું આવશ્યક છે અથવા ડ્રાઇવરે કૅબિન છોડતાં પહેલાં ટ્રાન્સપોર્ટ કમાન્ડ સેન્ટરને જાણ કરવી આવશ્યક છે. આ ૩૬ વર્ષના ડ્રાઇવરે કોઈને જાણ કર્યા વગર લાઇસન્સ વગરના કન્ડક્ટરને ટ્રેનની જવાબદારી સોંપી હતી.