ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021 સ્પેનમાં વેશ્યાવૃત્તિ એક મોટો વ્યાપાર બની ગયો છે, ત્યારે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે વેલેન્સિયા શહેરમાં કૉન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે તેઓ દેશમાંથી વેશ્યાવૃત્તિને બંધ કરવા માગે છે, કારણ કે તે મહિલાઓને ગુલામ બનાવે છે.
સ્પેને 1995માં વેશ્યાવૃત્તિને કાયદેસરનો દરજ્જો આપ્યો હતો, ત્યાર બાદ આ વેશ્યાવૃત્તિના વ્યાપારમાં સતત વધારો થયો છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ, સ્પેનમાં વેશ્યાવૃત્તિનો વ્યાપાર $ 26.5 બિલિયનનો હોઈ શકે છે. આ વ્યવસાયમાં ત્રણ લાખ લોકો કામ કરે છે.
સાંચેઝે વધુમાં કહ્યું કે, “આ કૉન્ફરન્સમાંથી એક પ્રતિબદ્ધતા ઉદ્ભવી રહી છે, જેનો હું અમલ કરીશ. અમે મહિલાઓને ગુલામ બનાવતી વેશ્યાવૃત્તિને સમાપ્ત કરીશું.”
સ્પેનમાં વેશ્યાવૃત્તિના વ્યવસાયને લગતા કોઈ નિયમો નથી. જોકે મહિલાઓની જાતીય સતામણી અને દલાલી એ ગુનો છે. પરંતુ સ્વેચ્છાએ પૈસા માટે સેક્સ સેવાઓ પૂરી પાડવા માટે કોઈ સજા નથી અને કાયદા માનવ તસ્કરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મોટા ભાગનાં વેશ્યાગૃહો હૉટેલ અથવા લૉજ વગેરેથી ચલાવવામાં આવે છે. 2009માં એક સર્વે થયો હતો, જેમાં 30 ટકા પુરુષોએ કહ્યું હતું કે તેઓએ ઓછામાં ઓછી એક વખત પૈસા આપી સેક્સ કર્યું છે. આ સર્વે સરકારી સંસ્થા સામાજિક તપાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
સ્પેનમાં વેશ્યાવૃત્તિના વેપારની હદ એટલી મોટી છે કે 2011માં સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ બાદ એને ‛યુરોપનું વેશ્યાલય’ કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં સ્પેનને થાઇલૅન્ડ અને પ્યુઅર્ટો રિકો પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્સ માર્કેટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
પેડ્રો સાંચેઝ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમની પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન બન્યા હતા. જોકે તેઓ બહુમતી મેળવી શક્યા નથી. એપ્રિલ 2019માં પાર્ટીએ મહિલાઓને કેન્દ્રમાં રાખીને પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું અને એ જ રીતે ચૂંટણી લડી હતી. ઘોષણાપત્રમાં વેશ્યાવૃત્તિને ગેરકાયદે બનાવવાની હાકલ કરવામાં આવી હતી, જેને મહિલા મતદારોને આકર્ષવાની ચાલ તરીકે જોવામાં આવી હતી.