ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
સુદાનની સરકાર વિખેરી નાખવામાં આવી છે અને સૈનિકો દ્વારા કેબિનેટ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
સાથે જ સુદાનના જનરલ ફતાહ અલ-બુરહાને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
નાગરિક તથા સૈન્યનેતાઓની સંયુક્ત સમિતિના વડા જનરલ અબ્દીલ ફતેહ બુરહાનનું કહેવું છે કે રાજનેતાઓની આંતરિક લડાઈને કારણે તેમને આ પગલું લેવું પડ્યું છે.
સુદાનની રાજધાની ખાર્તુમમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે .
સુદાન પર લાંબાગાળાથી ઓમર અલ-બશીરનું શાસન હતું. બે વર્ષ પહેલાં સૈન્ય અને નેતાઓએ મળીને સત્તાપરિવર્તન કર્યું હતું અને હંગામી સંક્રાંતિકાળ સરકારની સ્થાપના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સુદાન અગાઉથી જ આર્થિક સંકટમાં સપડાયેલું છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક મદદથી તે બેઠું થવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સેના દ્વારા તખ્તાપલટ બાદ તેમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.