ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
દક્ષિણ આફ્રિકામાં મહિલાઓને બહુપતિત્વ પાળવાની દરખાસ્તને પગલે દેશના રૂઢિચુસ્ત સમાજના વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. દરખાસ્ત ધરાવતું ગ્રીન પેપર દેશના ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રીન પેપર પર સરકારે 30 જૂન સુધી સૂચનો મગાવ્યાં છે. આ પેપર એપ્રિલમાં તૈયાર કરવામાં આવ્યું હતું, અને મે મહિનામાં સૂચનો માટે ખોલવામાં આવ્યું હતું.
સરકારના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં લગ્નોને નિયમન કરતો કાયદો દેશના બંધારણની જોગવાઈઓને આધારે નથી. લગ્ન નીતિનો ઉદ્દેશ સાઉથ આફ્રિકામાં રહેતા તમામ વ્યક્તિઓના લગ્ન નિયમન માટે પાયાની સ્થાપના કરવાનો છે. આ પ્રસ્તાવિત લગ્ન કાયદાના લીધે સાઉથ આફ્રિકનો અને દરેક પ્રકારના જાતીય ઇરાદા ધરાવનારાઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા ધરાવનારાઓ સમાનતા, ભેદભાવ વગર, માનવીય પ્રતિષ્ઠા અને વૈવિધ્યતામાં એક્તાના સિદ્ધાંતના આધારે તેમનાં લગ્ન કાયદાકીય રીતે સંપન્ન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે માનવ અધિકાર કાર્યકરો મુજબ સમાનતાના અધિકારની માગ છે કે બહુપતિત્વને કાયદાકીય માન્યતા આપવામાં આવે, પરંતુ સરકારના આ પગલા સામે વિપક્ષે જોરદાર વાંધો ઉઠાવ્યો છે અને એને દેશની પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત ગણાવ્યું છે.
