ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલને મોટો આંચકો આપ્યો છે. હાલમાં લોટરી સિસ્ટમ દ્વારા વાર્ષિક 85 હજાર H1-B વિઝા આપવામાં આવે છે. તેની પદ્ધતિ પણ બદલાશે. અત્યારસુધી આ વિઝા લોટરી સિસ્ટમથી આપવામાં આવતા હતા, જેના બદલે હવે પગાર ધોરણ અનુસાર તેની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઈ છે.
જો એચ-૧બી આપવાની આ નવી સિસ્ટમ અમલમાં આવી ગઈ તો તેનાથી ભારતીય આઈટી એન્જિનિયર્સને મોટો ફટકો પડશે તેમ જાણકારોનું માનવું છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કાર્યરત ભારતીય આઈટી કંપનીઓના કર્મચારીઓ આ વિઝા પર યુએસ જતા હોય છે.
જો તેને પગારધોરણ સાથે સાંકળી લેવાયા તો કંપનીઓનો ખર્ચો ખૂબ વધી જશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું માનવું છે કે પગારધોરણના આધારે વિઝા આપવાની પ્રક્રિયા લોટરી સિસ્ટમ કરતા વધુ યોગ્ય છે. જો આ સિસ્ટમ લાગુ પડી ગઈ તો કંપનીઓને કર્મચારીઓને વધારે પગાર આપવા પડશે કે પછી હાયર સ્કીલ ધરાવતા કર્મચારી માટે પિટિશન કરવી પડશે. આમ, નવી સિસ્ટમમાં કંપનીઓ ઓછા પગારથી એચ-૧બી વિઝા પર આવનારાને નોકરીએ નહીં રાખી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એચ-૧બી વિઝાને લોટરી સિસ્ટમ પર આપવાને કારણે દુનિયાના બેસ્ટ અને ટેલેન્ટેડ લોકોને અમેરિકા આવવાનો મોકો નથી મળતો, અને ઓછા પગારમાં કામ કરતા વિદેશીઓને કારણે અમેરિકનોને તે નોકરી નથી મળી શકતી. જો આ નિયમ લાગુ પડી ગયો તો ભારતીય આઈટી કંપનીઓ ઉચ્ચ પગાર મેળવતા પોતાના કર્મચારીઓને જ અમેરિકા લઈ જઈ શકશે.