News Continuous Bureau | Mumbai
Trump and Putin Hold 1-Hour Call Over Iran War અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે અને આ જંગ હવે વૈશ્વિક વિનાશ તરફ વધી રહ્યો છે. આ દરમિયાન દુનિયાના બે સૌથી શક્તિશાળી નેતાઓ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અંદાજે એક કલાક સુધી ફોન પર ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. રશિયન વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સાથે આ યુદ્ધને તાત્કાલિક રોકવા અંગે વાત કરી છે અને એક ખાસ ‘પીસ પ્લાન’ (Peace Plan) પણ સૂચવ્યો છે.આ ચર્ચામાં સૌથી મહત્વનો મુદ્દો ઈરાનના નવા સર્વોચ્ચ નેતા ની નિમણૂકનો રહ્યો છે. અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા નેતા જાહેર કરવામાં આવ્યા છે. રશિયાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા મોજતબા ખામેનેઈને ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે માન્યતા આપશે નહીં. ટ્રમ્પના મતે મોજતબા આ પદ પર ટકી શકશે નહીં, જ્યારે પુતિન આ નિમણૂકના સમર્થનમાં છે.
રશિયાની મધ્યસ્થતા અને ઈરાનને મદદના આરોપ
અમેરિકાએ અગાઉ રશિયા પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે રશિયા ઈરાનને ગુપ્ત ડેટા અને લશ્કરી મદદ પૂરી પાડી રહ્યું છે. જોકે, આ ફોન કોલ દરમિયાન પુતિને યુદ્ધ રોકવા પર ભાર મૂક્યો હતો. ડિસેમ્બર પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ લાંબી વાતચીત હતી. યુરી ઉશાકોવે જણાવ્યું કે રશિયા ઈચ્છે છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થાય. આ દરમિયાન યુક્રેન યુદ્ધ અંગે પણ કેટલીક મહત્વની ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઈરાનમાં ભયાનક તબાહી અને અખાતી દેશો પર અસર
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર આ બે દેશો પૂરતી મર્યાદિત રહી નથી. અમેરિકાના ભીષણ બોમ્બ હુમલાને કારણે ઈરાનમાં મોટી જાનહાનિ થઈ છે અને જનજીવન વેરવિખેર થઈ ગયું છે. રશિયા દ્વારા અમેરિકાના હુમલાનો સૌથી પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધની સીધી અસર અખાતી દેશોની અર્થવ્યવસ્થા અને તેલના સપ્લાય પર પડી છે, જેને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
રશિયાનો ‘શાંતિ પ્લાન’ શું ટ્રમ્પ સ્વીકારશે?
દુનિયા અત્યારે એ વાત પર નજર રાખી રહી છે કે શું રશિયાનો મધ્યસ્થી કરવાનો પ્રયાસ સફળ થશે. રશિયાએ ઈરાન માટે મેદાનમાં ઉતરવાની વાત પણ કરી હતી, પરંતુ આ ફોન કોલ બાદ મુત્સદ્દીગીરીનો નવો માર્ગ ખુલ્યો હોય તેમ લાગે છે. જો ટ્રમ્પ પુતિનનો પ્લાન સ્વીકારે છે, તો યુદ્ધ વિરામ થઈ શકે છે. જોકે, ઈરાનની અંદરની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે અને મોટા પાયે સંઘર્ષ ચાલુ છે.