ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ૮મી જાન્યુઆરીએ સ્થાયી રૂપે બ્લોક કરાયું હતું. રાષ્ટ્રપતિ જો બાયડનની જીત બાદ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલ પર ઘાતક હુમલો કર્યો હતો. ત્યાર બાદ ટ્વિટરે ટ્રમ્પનું અકાઉન્ટ બંધ કરી નાખ્યું હતું. હવે ટ્રમ્પ ટ્વિટર પર ફરી અકાઉન્ટ ખોલાવવા માટે તડફડી રહ્યા છે.
એક અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ જુલાઈમાં ટ્રમ્પે ફેસબુક અને આલ્ફાબેટની ગૂગલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઉપર કેસ કર્યો હતો. ટ્રમ્પનો આરોપ છે કે આ કંપનીઓ ગેરકાયદે રૂઢિવાદી વિચારધારાને ચૂપ કરાવી રહી છે. ટ્રમ્પે ફ્લોરિડાના ફેડરલ જજને કહ્યું હતું કે તેમનું ટ્વિટર અકાઉન્ટ ફરીથી શરૂ કરવા માટે તેઓ ટ્વિટર પર દબાણ કરે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટિવટર વિરુદ્ધ પ્રાથમિક આદેશ માટે ટ્રમ્પનો કેસ મિયામીમાં શુક્રવારે મોડી રાતે નોંધાયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા કંપનીએ કોંગ્રેસમાં તેમના રાજનીતિક પ્રતિદ્વંદ્વીઓના દબાણથી જાન્યુઆરીમાં તેમનું ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું હતું. જોકે ટ્વિટરે કોઇ પણ ટીપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે.