ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
અમેરિકાના એન્ટી ટ્રસ્ટ લૉ પ્રમાણે હરિફોને દબાવી પોતાની મોનોપોલી સ્થાપવી ગુનો છે. અમેરિકાની ચાર મોટી કંપનીઓ ગૂગલ, ફેસબૂક, એમેઝોન અને એપલ પર એન્ટી ટ્રસ્ટ વિરૃદ્ધ કાર્યવાહી કરવાની સરકારની વિચારણા હતી જ. તેનો ગુગલ કેસથી આરંભ થયો છે. અમેરિકી જસ્ટીસ વિભાગે ગૂગલ પર એન્ટી ટ્રસ્ટ લૉ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. અમેરિકી સરકારની આ કાર્યવાહીથી ટેકનોલોજી જગતમાં ખળભળાટ મચ્યો છે. પ્રથમવાર ખુદ સરકારે જ કેસ કરી ગૂગલ સામે કડક વલણ હોવાનું સ્પષ્ટ થયું છે.
ગૂગલે ફોન ઉત્પાદક કંપનીઓને ફરજ પાડી છે કે ફોનમાં તેનું જ સર્ચ એન્જીન ફીટ થયેલું (બાય ડિફોલ્ટ) આવે. પોતાનું સર્ચ એન્જિન બાય ડિફોલ્ટ હોવાથી ગૂગલે અનેક કંપનીઓ પાસે જાહેરખબરના અબજો રૂપિયા ઉઘરાવ્યા છે. એ જાણીતી વાત છે કે મોટા ભાગના ફોનમાં સર્ચ એન્જીન, જીમેઈલ વગેરે ફીટ થયેલું જ આવે છે, જેનો વપરાશકારે ઈચ્છા ન હોય તો પણ વપરાશ કરવો જ પડે.
મોટા ભાગની સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડતી ગૂગલની આવક જાહેરખબર છે. ગયા વર્ષે ગૂગલની જાહેરખબરની કુલ આવક 134.8 અબજ ડૉલર (9900 અબજ રૂપિયા) હતી. ગૂગલની કુલ આવક પૈકી આ આવક 84 ટકા હતી.
