ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
ભારતમાં કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે. દેશમાં દરરોજ બે લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. માટે આવા સંજોગોમાં યુનાઈટેડ કિંગડમ (યુકે)ના વડાપ્રધાન જોન્સને પોતાની ભારત યાત્રા રદ કરી દીધી છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત આવીને મળવાની ઈચ્છા હાલ પૂરતી અધૂરી રહી ગઈ છે. તેઓ 25 એપ્રિલ ભારત આવવાના હતા પરંતુ હવે થોડા દિવસ બાદ ફરી ભારત આવવાનો નવો પ્લાન જાહેર કરી શકે છે. ભારતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ જોન્સનને અપીલ કરી હતી કે તેઓ ભારતયાત્રાએ ન જાય. પીએમ જોન્સનની ભારત યાત્રાનો વિરોધ કરતા લેબર પાર્ટીના એક અધ્યક્ષે કહ્યું હતું કે, તેમનામાંથી અનેક લોકો હાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરે છે. તેવી જ રીતે પીએમ જોન્સને પણ આ રીતે ઝૂમ પર પીએમ મોદી સાથે વાત કરીને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. પીએમ જોન્સનને સતત અપીલ થયા બાદ અને દબાણ વધતા અંતે તેમણે ભારત યાત્રા રદ કરી છે.
કોરોના ને કારણે મહારાષ્ટ્રમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. જાણો વિગત .
ઉલ્લેખનીય છે કે, અગાઉ બોરિસ જોન્સન 26 જાન્યુઆરીએ ભારત આવવાના હતા પરંતુ તે વખતે પણ તેમનો કાર્યક્રમ બ્રિટનમાં ફેલાયેલા કોરોના ના નવા સ્ટ્રેનને કારણે ઠપ્પ થઈ ગયો હતો.