News Continuous Bureau | Mumbai
US China Meet। પોતાના ત્રણ દિવસીય ચીન પ્રવાસના અંતિમ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન મામલે અત્યંત આક્રમક અને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને ખાતરી આપી છે કે યુદ્ધ દરમિયાન ચીન, ઈરાનને કોઈ પણ પ્રકારનો દારૂગોળો કે સૈન્ય સામગ્રી (Military Equipment) સપ્લાય નહીં કરે. આ સાથે જ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે હવે તેહરાન પાસે માત્ર બે જ રસ્તા બચ્યા છે ‘ડીલ અથવા તબાહી’.
‘ઈરાન હવે પૂરું થઈ ચૂક્યું છે’ – ટ્રમ્પ
ફોક્સ ન્યૂઝ (Fox News) ને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ઈરાન હવે આર્થિક અને લશ્કરી રીતે ખતમ થઈ ચૂક્યું છે. જો તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજોતો નહીં કરે, તો સંપૂર્ણપણે તબાહ થઈ જશે.” ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા કોઈ પણ કિંમતે ઈરાનને પરમાણુ હથિયાર હાસિલ કરવા દેશે નહીં. રસપ્રદ વાત એ છે કે, આ પ્રવાસ દરમિયાન પ્રતિબંધિત હોવા છતાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ “માર્કો લૂ” નામ બદલીને ટ્રમ્પ સાથે બેજિંગ પહોંચ્યા હતા, જે ખૂબ ચર્ચામાં રહ્યું છે.
ચીન પણ ઈરાન પાસે પરમાણુ હથિયાર નથી ઈચ્છતું
ટ્રમ્પના દાવા અનુસાર, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય તેમ ઈચ્છી રહ્યા છે અને તેમણે આ મામલે મધ્યસ્થી કરવાની ઓફર પણ કરી છે. જિનપિંગનું પણ માનવું છે કે ઈરાન પાસે પરમાણુ શક્તિ ન હોવી જોઈએ. જોકે, ચીન હાલમાં ઈરાનના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે અને બંને વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો છે, તેવામાં ટ્રમ્પનો આ દાવો આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે ખૂબ મહત્વનો છે.
ઈરાનના ટાપુને 5 મિનિટમાં ઉડાવી દેવાની ધમકી
અમેરિકાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી સેના ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર એવા ‘ખાર્ગ દ્વીપ’ (Kharg Island) ને માત્ર ૪ થી ૫ મિનિટમાં નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે ઈરાન સામેનું વર્તમાન લશ્કરી ઓપરેશન ઈરાક કે વિયેતનામ જેવા લાંબા યુદ્ધો જેવું નહીં હોય, પરંતુ તે ઘણું ટૂંકું અને નિર્ણાયક સાબિત થશે. હાલમાં જ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં પણ મોટો વધારો ઝીંકાયો છે, ત્યારે વૈશ્વિક સ્તરે આ બેઠકના પરિણામો પર નજર રાખવામાં આવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Monsoon 2026 Update। ખેડૂતો માટે ખુશખબર ૧૬ મે સુધીમાં અંદામાનમાં ચોમાસાનું આગમન, ગુજરાતમહારાષ્ટ્રમાં ક્યારે આવશે વરસાદ?
