ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ કાબુલમાં સ્થિતિ વધુ વણસી છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો કાબુલ ઍરપૉર્ટ બાકી છે, પરંતુ આજે ત્યાં ફાયરિંગ બાદ પરિસ્થિતિ વધુ બગડી છે. ગોળીબાર બાદ કાબુલ ઍરપૉર્ટ પર ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. કાબુલ ઍરપૉર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, એમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક દેખાઈ રહી છે. ઍરપૉર્ટ પર બસસ્ટૅન્ડ જેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઍરપૉર્ટ પહોંચી રહ્યા છે. ઍરપૉર્ટ પર સુરક્ષા જેવું કશું નથી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે, જેની અધ્યક્ષતા ભારત કરશે.
વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત
કાબુલ ઍરપૉર્ટ પર કથળતી પરિસ્થિતિ જોઈને અમેરિકાએ ઍરપૉર્ટનો કબજો લઈ લીધો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે કાબુલના હમીદ કરઝાઈ ઍરપૉર્ટને સુરક્ષિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમેરિકા સંપૂર્ણપણે ઍર ટ્રાફિક કન્ટ્રોલને સંભાળશે. સુરક્ષાને વધારતાં છ હજાર સૈનિકો ઉતારવામાં આવી રહ્યા છે.