News Continuous Bureau | Mumbai
US Visa Premium Service ટુરિઝમ અથવા બિઝનેસ વીઝા પર અમેરિકા જવાની ઈચ્છા રાખતા પ્રવાસીઓ માટે એક મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રવાસીઓએ વીઝા ઈન્ટરવ્યુ માટે મહિનાઓ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું કે લાંબો ઈન્તઝાર કરવો નહીં પડે. અમેરિકી સરકાર એક નવો નિયમ લાવી રહી છે, જેના અંતર્ગત ૭૫૦ ડોલરની વધારાની પ્રીમિયમ ફી ચૂકવીને પ્રવાસીઓ પોતાનો વીઝા ઈન્ટરવ્યુ પ્રોસેસ ખૂબ જ ઝડપથી પૂરો કરી શકશે અને લાંબા વેઇટિંગ પીરિયડથી બચી શકશે.
US Visa Premium Service – ૧ જુલાઈથી ૩૧ ડિસેમ્બર સુધી માત્ર પસંદગીના દૂતાવાસોમાં જ મળશે આ સુવિધા
ફેડરલ રજિસ્ટરમાં બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિસ અનુસાર, આગામી ૧ જુલાઈથી બી૧ અને બી૨ નોન-ઇમિગ્રન્ટ વીઝા માટે અરજી કરનારા પ્રવાસીઓ આ ખાસ ફાસ્ટ-ટ્રેક સેવાનો લાભ લઈ શકશે. આ અંતર્ગત પ્રીમિયમ ફી ચૂકવ્યા બાદ માત્ર ૧૦ વર્કિંગ ડેઝ એટલે કે કાર્યકારી દિવસોની અંદર જ ઈન્ટરવ્યુ માટેનો સમય મળી જશે. હાલના સમયમાં આ કેટેગરીના વીઝા મેળવવા માટે કેટલાક કિસ્સાઓમાં એક વર્ષ કરતાં પણ વધુ સમયની રાહ જોવી પડે છે. જો કે, આ સુવિધા ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી એક કામચલાઉ પાયલોટ પ્રોગ્રામ તરીકે ચલાવવામાં આવશે અને તે માત્ર પસંદગીના જ અમેરિકી દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોમાં ઉપલબ્ધ રહેશે.
US Visa Premium Service – ફીફા વર્લ્ડ કપ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય
અમેરિકામાં યોજાનારા ૨૦૨૬ ફીફા વર્લ્ડ કપના કારણે વૈશ્વિક સ્તરે વીઝાની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ સાથે જ લોસ એન્જલસમાં યોજાનારા ૨૦૨૮ ઓલિમ્પિક ગેમ્સ પહેલા આ નવી પ્રીમિયમ સર્વિસની ક્ષમતા ચકાસવા માટે આ યોગ્ય સમય હોવાનું અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે. જો કે, પ્રવાસીઓએ એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે ૭૫૦ ડોલરની પ્રીમિયમ ફી ચૂકવવાથી માત્ર ઈન્ટરવ્યુ વહેલો મળશે, પણ વીઝા મંજૂર થઈ જ જશે તેની કોઈ ગેરંટી નથી. આ પ્રીમિયમ ફી ઉપરાંત અરજદારે નિયમિત વીઝા પ્રોસેસિંગ ફી પેટે ૧૮૫ ડોલર પણ ચૂકવવાના રહેશે. આ ઉપરાંત વહીવટી પ્રક્રિયામાં લાગતો સામાન્ય સમય આનાથી ઘટશે નહીં.
US Visa Premium Service – ટ્રમ્પ વહીવટીતંત્રના કડક નિયમો વચ્ચે ભારતીય પ્રવાસીઓને મળી શકે છે મોટી રાહત
આ પાયલોટ પ્રોગ્રામ એવા દેશોના નાગરિકો માટે લાગુ પડશે નહીં જેઓ પહેલેથી જ વીઝા-વેવર પ્રોગ્રામ હેઠળ આવે છે, જેમાં યુરોપના મોટાભાગના દેશો, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈઝરાયેલ અને યુકે સામેલ છે. ભારત આ વીઝા-વેવર યાદીમાં નથી, તેથી લાંબો વેઇટિંગ પીરિયડ ભોગવતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને પ્રવાસીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા તાજેતરમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા હિસ્ટ્રીની તપાસ અને વીઝા મુદત વીતી ગયા પછી પણ રોકાઈ જવાની વધુ સંભાવના ધરાવતા દેશો માટે ૧૫ હજાર ડોલર સુધીના સિક્યોરિટી બોન્ડ ભરવાનો નિયમ પણ સામેલ છે. આવા કડક માહોલ વચ્ચે વહેલા વીઝા મેળવવાનો આ એક મોટો વિકલ્પ બની રહેશે.
👉 આ સમાચાર વાચો:
IMD Monsoon Weather Alert ૧૭ રાજ્યો પર આગામી ૫ થી ૬ કલાક ભારે ૧૦૦ કિમીની ઝડપે ફૂંકાશે વાવાઝોડું, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ