ન્યુઝ કન્ટીન્યુઝ
મુંબઈ
07 ઓક્ટોબર 2020
આપણો પાડોશી દેશ પાકિસ્તાન ની ખસ્તા હાલત કોઈથી છુપી નથી. ટામેટા બાદ ઇમરાન ખાનના પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયાં છે. એક કિલો ઘઉંના ભાવ રૂા. 60 એટલે કે 1200 રૂ. કવીંટલ- એક ગુણ.. જે પાકિસ્તાનના ઇતિહાસમાં આજ સુધીના સૌથી ઊંચા ભાવ છે. ગયા ડિસેંબરમાં ઘઉંના ભાવ વધવાની શરૂઆત થઇ હતી. એ સમયે ઘઉંના ભાવ કિલેાએ રૂા.40 હતા. આજે કિલોએ રૂા.60 બોલાય છે.

ઇમરાન ખાનની સરકારે એક કરતાં વધુ વખત જીવનજરૂરી ચીજો અને અનાજ વાજબી ભાવે સૌને મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી હતી પરંતુ એ ખાતરીનો અમલ થઇ શક્યો નથી. લોકો રાડ પાડી રહયાં છે. ત્યારે સરકારે ઘઉંના ભાવ વધવા માટે આટા મિલોને જવાબદાર ગણાવી છે.
ઓલ પાકિસ્તાન ફ્લોર એસોસિયેશને સરકારના આ દાવાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સિંધમાં લણણીની સીઝન શરૂ થઇ ચૂકી છે અને પંજાબમાં આવતા મહિને શરૂ થશે. સરકારે તત્કાળ ઘઉંના ભાવ નક્કી કરીને સત્તાવાર જાહેરાત કરી દેવી જોઇએ. ખેડૂતોએ એવી માગણી કરી હતી કે સર્ટિફાઇડ બીજના ભાવ સરકાર તાબડતોબ નક્કી કરે અને ખાસ તો આવતા 24 કલાકમાં પચાસ કિલો બીજની બોરીના ભાવ ઠરાવે. જેની સામે ઇમરાન સરકારે દાવો કર્યો છે કે રશિયાથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરાઇ છે. એકાદ-દોઢ માસમાં એ ઘઉં આવી જાય એટલે ઘઉંના ભાવ અંકુશમાં આવી જશે.
હકીકત એ છે કે કોરોના આવ્યો એ પહેલાંથી પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ થઇ ચૂક્યું હતું. દરમિયાન, કોરોના વાઇરસ ત્રાટક્યા અને બીજી બાજુ પાકિસ્તાનનાં ખેતરોમાં તીડનું આક્રમણ થયું એટલે ઊભા પાકને જબરદસ્ત નુકસાન થયું હતું. સેંકડો એકર જમીનમાં પાક નષ્ટ થઇ ગયો હતો. ત્યારેજ અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે આ વર્ષ પાકિસ્તાન માટે ખાદ્ય સંકટ લાવનારું બની રહેશે.