News Continuous Bureau | Mumbai
US-India Trade Deal Controversy:’એક્સિયોસ’ (Axios) ના રિપોર્ટમાં અમેરિકી રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝનો એક ઓડિયો લીક થયો છે. આ રેકોર્ડિંગમાં ક્રૂઝ તેમના પાર્ટી ડોનર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત સાથેના વ્યાપાર કરારને પાટા પરથી ઉતારવા માટે જવાબદાર છે.ટેડ ક્રૂઝના મતે, આ નેતાઓ ભારત પર રશિયન તેલની ખરીદી મુદ્દે ભારે ટેરિફ લાદવાના પક્ષમાં છે, જેના કારણે ડીલ આગળ વધી રહી નથી.
નવારો અને જેડી વેન્સ કેમ છે ભારત વિરોધી?
રિપોર્ટ અનુસાર, પીટર નવારો અને જેડી વેન્સ અનેક પ્રસંગોએ ભારત વિરોધી નિવેદનો આપી ચુક્યા છે. તેઓ ઈચ્છે છે કે ભારત જો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેના પર ૫૦% જેટલો ટેરિફ લાદવામાં આવે. ટેડ ક્રૂઝે દાવો કર્યો કે તેઓ પોતે આ કરાર માટે વ્હાઇટ હાઉસ સાથે લડી રહ્યા છે, પરંતુ ટ્રમ્પની આસપાસના લોકો આ ડીલને મંજૂરી આપતા નથી.
આ સમાચાર પણ વાંચો : Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
૨૦૨૬ની મિડટર્મ ચૂંટણી અને ટેરિફનો ડર
ટેડ ક્રૂઝ અને અન્ય રિપબ્લિકન સેનેટરોએ ટ્રમ્પને ચેતવણી આપી છે કે ‘લિબરેશન ડે ટેરિફ’ લાદવાથી અમેરિકામાં ચીજવસ્તુઓના ભાવ વધશે. આનાથી અમેરિકન નાગરિકોને મુશ્કેલી પડશે અને તેની સીધી અસર ૨૦૨૬ની મધ્યાવધિ (Midterm) ચૂંટણી પર પડશે, જેમાં રિપબ્લિકન પાર્ટીએ મોટી હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, ટ્રમ્પે આ ચેતવણીઓને નજરઅંદાજ કરી હોવાનું ઓડિયોમાં જણાવાયું છે.
પાંચ મહિનાથી ભારત પર ૫૦% ટેરિફ
ઉલ્લેખનીય છે કે અમેરિકા છેલ્લા પાંચ મહિનાથી ભારતથી આયાત થતી અનેક પ્રોડક્ટ્સ પર ૫૦% ટેરિફ વસૂલી રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં ટ્રેડ ડીલ માટે વાતચીત શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જોકે, ટ્રમ્પે દાહોસમાં તાજેતરમાં આપેલા નિવેદનમાં પીએમ મોદી સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કરી ડીલ જલ્દી થવાની આશા વ્યક્ત કરી હતી, જે હવે આ લીક ઓડિયો બાદ શંકાના દાયરામાં છે.
