ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
દક્ષિણ આફ્રિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકાના ઘણાં શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં 117 લોકો માર્યા ગયા હતા. આ હિંસામાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવાયા હોવાનું મનાય છે. ભારતીય મૂળના લોકોની વસ્તી દેશની કુલ વસ્તીના માંડ અઢી ટકા જ છે, પરંતુ તેમાંના મોટા ભાગના વ્યવસાયમાં રોકાયેલા છે અને શ્રીમંત છે. આ હિંસામાં તેમની દુકાનોમાં ઘૂસી અને માલસામાનની લૂંટ ચલાવવામાં આવી હતી અને દુકાનોમાં તોડફોડ કરવાના અનેક બનાવ બન્યા હતા.
આ હિંસા દરમિયાન ભારતીયોને થયેલા નુકસાનની આકારણી હજી સુધી પૂરેપૂરી થઈ શકી નથી, પરંતુ લૂંટ અને તોડફોડના બનાવથી ભારતીય સમુદાયની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય અભિપ્રાય એ છે કે પ્રારંભિક દિવસોમાં તમામ સમુદાયો હિંસાની ચપેટમાં આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ થયેલા હુમલાઓમાં ભારતીયોની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી.
અમેરિકાએ તાલિબાન પર હવાઈ હુમલો કર્યો, જતા જતા ખુન્નસ ઉતાર્યું. જાણો વિગત.
હકીકતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા ભ્રષ્ટાચારના મામલે 15 મહિનાની જેલની સજા ભોગવી રહ્યા છે. આ લોકપ્રિય નેતા ભારતીય મૂળના ગુપ્તાભાઈઓ સાથે ખૂબ નજીકના સંબંધો ધરાવતા હતા. આ ભારતીય દક્ષિણ આફ્રિકા ગયા અને મોટા પાયે વેપાર શરૂ કર્યો હતો. ઝુમા પર આરોપ છે કે તેણે આ ત્રણ ભાઈઓને રાજ્યના સંસાધનો લૂંટવાની અને સરકારની નીતિઓને પ્રભાવિત કરવાની મંજૂરી આપી હતી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે કે ભારતના ત્રણ ગુપ્તાભાઈઓને ઝુમાએ ધંધામાં ફાયદો કરાવ્યો છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે લોકોમાં ભારે નારાજગી છે. ઘણા લોકો માને છે કે ગુપ્તા બ્રધર્સને કારણે સામાન્ય લોકો ભારતીયો પર હુમલો કરી એનું વેર વાળી રહ્યા છે. જોકેહવે હિંસાના બનાવ ઓછા થઈ ગયા છે, કારણ કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 25,000 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે, જેને પગલે હિંસા કાબૂમાં આવી છે, પરંતુ ભારતીય મૂળના લોકોમાં હજી ભયનો માહોલ છે.