News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, અમેરિકી સેનાએ ઈરાનના અત્યંત મહત્વના ગણાતા ‘ખર્ગ આઈલેન્ડ’પર આવેલા સૈન્ય ઠેકાણાઓને ‘સંપૂર્ણપણે તબાહ’ કરી દીધા છે. ટ્રમ્પે આ ટાપુને ઈરાનનું ‘સૌથી કિંમતી ઘરેણું’ ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જો ઈરાન પીછેહઠ નહીં કરે તો હવે પછીનો નિશાન ત્યાંની તેલ સુવિધાઓ હોઈ શકે છે. આ હુમલો ઈરાન માટે માત્ર સૈન્ય નુકસાન નથી, પરંતુ તેની અર્થવ્યવસ્થાના અસ્તિત્વ સામેનો મોટો ખતરો છે.ખર્ગ આઈલેન્ડ ઈરાનના દરિયાકાંઠેથી 26 કિમી દૂર અને હોર્મુઝની સામુદ્રધુનીથી લગભગ 483 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલો છે. આ ટાપુ ઈરાનના તેલ નેટવર્કનું મુખ્ય ટર્મિનલ છે જે દેશના 90% તેલ નિકાસનું સંચાલન કરે છે.
ઈરાન માટે કેમ આટલો મહત્વનો છે ખર્ગ ટાપુ?
ખર્ગ આઈલેન્ડની વ્યૂહાત્મક અગત્યતા નવી નથી. વર્ષ 1984ના સીઆઈએ (CIA) ના રિપોર્ટમાં પણ આ ટાપુને ઈરાનની પેટ્રોલિયમ સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ ગણાવવામાં આવ્યો હતો.
તેલ નિકાસનું કેન્દ્ર: ઈરાન દરરોજ 1.1 મિલિયનથી 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો અહીંથી જ શિપમેન્ટ થાય છે.
પાઈપલાઈન નેટવર્ક: આ ટાપુ દરિયાઈ માર્ગે ઈરાનના ત્રણ સૌથી મોટા તેલ ક્ષેત્રો- અબુઝર, ફોરુઝાન અને દોરુદ સાથે જોડાયેલો છે.
ભંડારણ ક્ષમતા: મે 2025માં સમારકામ બાદ આ ટર્મિનલની સ્ટોરેજ ક્ષમતા વધારીને 20 લાખ બેરલ સુધી કરવામાં આવી છે.
પેટ્રોકેમિકલ હબ: અહીં ખર્ગ પેટ્રોકેમિકલ કંપની અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના નિકાસ માટેની વિશાળ સુવિધાઓ આવેલી છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Gas New Connections: ગુજરાત સરકારની જાહેરાત; હોટલોને જરૂરિયાત મુજબ તરત જ મળશે PNG કનેક્શન, જાણો નવી પ્રક્રિયા અને ફાયદા
અમેરિકાએ શા માટે બનાવ્યું નિશાન?
અમેરિકા જાણે છે કે જો ઈરાનને આર્થિક રીતે તોડવું હોય તો ખર્ગ આઈલેન્ડ પરનો તેનો કબજો છીનવવો કે નષ્ટ કરવો જરૂરી છે. આ ટાપુ ઈરાન સરકાર અને તેની સેનાને નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. અત્યાર સુધીના હુમલામાં અમેરિકાએ માત્ર સૈન્ય મથકોને જ નિશાન બનાવ્યા છે અને ઉર્જા સંયંત્રોને છોડી દીધા છે. આ એક પ્રકારની ગંભીર ચેતવણી છે કે જો જંગ વધશે તો અમેરિકા ઈરાનની જીવાદોરી સમાન તેલની રિફાઈનરીઓને નષ્ટ કરવામાં અચકાશે નહીં.
હુમલાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર
નિષ્ણાતોના મતે, જો ખર્ગ ટાપુ પરના નાગરિક અને આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થાય અથવા અમેરિકા આ ટાપુ પર કબજો કરી લે, તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ઈરાન પાસે તેના સુપરટેન્કરોને લાંગરવા માટે કિનારા પર પૂરતી ઊંડાઈ નથી, તેથી તે આ ઊંડા દરિયાઈ ટાપુ (ખર્ગ) પર જ નિર્ભર છે. જો આ સુવિધા નષ્ટ થાય તો ઈરાન તેલ વેચવામાં અસમર્થ બની જશે, જે તેની સરકારને ચલાવવાનું અશક્ય બનાવી દેશે.