News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઇલ પર તાજેતરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈને રશિયાની પ્રતિક્રિયાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભલે ગમે તે કહે, પરંતુ આ પ્રતિબંધોની વાસ્તવિક અસર આગામી 6 મહિનામાં જોવા મળશે. પુતિને ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા દાવો કર્યો હતો કે આનાથી મોસ્કો પર કોઈ ખાસ ગંભીર અસર નહીં થાય. ટ્રમ્પે રશિયાની બે મુખ્ય તેલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેની અસર ભારતના તેલની ખરીદી પર પણ જોવા મળી શકે છે. ટ્રમ્પએ યુક્રેન સાથેના શાંતિ કરારમાં ધીમી પ્રગતિ પર પણ નિરાશા વ્યક્ત કરી હતી અને પ્રતિબંધોને યોગ્ય ઠેરવ્યા હતા.
ટ્રમ્પે રશિયાને આપી સીધી ચેતવણી
Text: પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પને રશિયન રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિબંધોની ટીકા કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “મને ખુશી છે કે તેઓ આવું અનુભવે છે. હું તમને આ વિશે છ મહિનામાં જણાવીશ. જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે.” પુતિને અમેરિકાના આ પ્રતિબંધોને રશિયા પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવતા કહ્યું હતું કે, “કોઈ પણ આત્મસન્માનવાળો દેશ અને કોઈ પણ આત્મસન્માનવાળા લોકો ક્યારેય દબાણમાં કોઈ નિર્ણય લેતા નથી.” આ દરમિયાન, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં રિપોર્ટરોને જણાવ્યું કે તેમણે પુતિન સાથેની બેઠક રદ કરી દીધી છે, કારણ કે તેમને લાગતું નથી કે તેઓ જે જગ્યાએ પહોંચવા માગે છે ત્યાં પહોંચી શકશે. જોકે, તેમણે ભવિષ્યમાં મળવાની સંભાવના વ્યક્ત કરી છે.
ટ્રમ્પના પ્રતિબંધોની ભારત પર અસર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધ પર પોતાની નીતિમાં મોટો ફેરફાર કરીને રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઇલ પર પ્રતિબંધો લાદ્યા છે. આના કારણે ગુરુવારે વૈશ્વિક તેલની કિંમતોમાં પાંચ ટકાનો વધારો થયો છે. આ પ્રતિબંધોને કારણે ભારત માટે મોટો પડકાર ઊભો થયો છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું 87 ટકા તેલ આયાત કરે છે. કાચા તેલની કિંમતોમાં વધારો ભારતીય અર્થતંત્ર પર વધુ અસર કરી શકે છે. આ ઉપરાંત, ભારત આ બંને રશિયન કંપનીઓ પાસેથી મોટા ભાગનું તેલ ખરીદે છે, તેથી હવે ભારતીય તેલ કંપનીઓ માટે રશિયન તેલની ખરીદી મુશ્કેલ બની જશે.
આ સમાચાર પણ વાંચો : Piyush Pandey: ભારતીય એડવર્ટાઇઝિંગના ‘જાદુગર’ પીયૂષ પાંડેનું નિધન: 70 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
અમેરિકા દ્વારા પ્રતિબંધોને યોગ્ય ઠેરવવામાં આવ્યા
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોનિલ લેવિટે કહ્યું કે નવા પ્રતિબંધો લાદવા યોગ્ય અને ખૂબ જ જરૂરી હતા. આ પગલું રશિયા-યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરાર પર ધીમી પ્રગતિ અંગેની નિરાશા દર્શાવે છે. રશિયાએ આ પ્રતિબંધને ‘અનફ્રેન્ડલી સ્ટેપ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે આનાથી વોશિંગ્ટન સાથેના સંબંધોમાં સુધારો થશે નહીં. જોકે, પુતિને દાવો કર્યો છે કે આ નવા પ્રતિબંધોની રશિયાના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર નહીં પડે.