News Continuous Bureau | Mumbai
Donald Trump Address: મધ્ય-પૂર્વ માં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે સમગ્ર વિશ્વની નજર હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટકેલી છે. ટ્રમ્પ 2 એપ્રિલની સવારે (ભારતીય સમય મુજબ) રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે આ સંબોધનમાં તેઓ ઈરાન સાથેના યુદ્ધમાં ‘સીઝફાયર’ (Ceasefire) અથવા યુદ્ધ વિરામની જાહેરાત કરી શકે છે. ટ્રમ્પે તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે અમેરિકાએ તેના નિર્ધારિત સૈન્ય લક્ષ્યો પૂરા કરી લીધા છે.
ચીન અને પાકિસ્તાનનો 5 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ
બીજી તરફ, 31 માર્ચ 2026 ના રોજ ચીન અને પાકિસ્તાને બેઇજિંગમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ એક ‘પાંચ મુદ્દાની શાંતિ પહેલ’ રજૂ કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડાર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી દ્વારા રજૂ કરાયેલા આ પ્લાનમાં તાત્કાલિક યુદ્ધ રોકવા અને શાંતિ વાટાઘાટો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વભરમાં તેલ અને ગેસના પુરવઠાને લઈને હાહાકાર મચી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
ઈરાનનો મધ્યસ્થી અંગે વિરોધ, પણ શાંતિની અપીલનું સ્વાગત
ઈરાને પાકિસ્તાનને અમેરિકા સાથે સીધા મધ્યસ્થી (Mediator) બનાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે, પરંતુ પ્રાદેશિક સ્તરે યુદ્ધ ખતમ કરવાની અપીલનું સ્વાગત કર્યું છે. ઈરાનનું માનવું છે કે પાકિસ્તાન અમેરિકા તરફી વલણ ધરાવે છે. જોકે, ચીનની સંડોવણી આ પ્રસ્તાવને વધુ વજન આપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ આ શાંતિ પ્રસ્તાવને સ્વીકારે છે કે પછી પોતાની જીતનો દાવો કરીને એકપક્ષીય રીતે યુદ્ધ વિરામ જાહેર કરે છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક અર્થતંત્ર પર નજર
ટ્રમ્પે તાજેતરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રહે કે બંધ, તેનાથી અમેરિકાને કોઈ ખાસ ફરક પડતો નથી. આ નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ છે કે અમેરિકા હવે આ સંઘર્ષમાંથી બહાર નીકળવા માંગે છે. જો આવતીકાલે યુદ્ધ વિરામની જાહેરાત થાય છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે અને ભારત સહિતના દેશોને મોટી આર્થિક રાહત મળી શકે છે.
