ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં સત્તા તાલિબાનના હાથમાં ગઈ છે ત્યારથી સરકાર દ્વારા મહિલાઓને દબાવવાના સતત અહેવાલો આવી રહ્યા છે. હવે પુરુષોની એ જ સરકાર નક્કી કરી રહી છે કે ઘરની બહાર મહિલાઓ કેવાં કપડાં પહેરીને નીકળે. તેઓ ઇચ્છે છે કે અફઘાન મહિલાઓ બુરખો પહેરીને જ બહાર નીકળે, પછી તે સ્કૂલ, કૉલેજ હોય કે બજાર. એટલે તાલિબાન સરકારે ત્યાંની મહિલાઓ માટે બુરખા અને હિજાબ પહેરવાનું ફરમાન બહાર પાડ્યું છે.
આની સામે અફઘાન મહિલાઓએ ખૂબ જ અનોખો વિરોધ કર્યો છે. તેઓએ સાથે મળીને #AfghanistanCulture એક ઑનલાઇન અભિયાન શરૂ કર્યું છે, જેમાં પરંપરાગત અફઘાન કપડાં પહેરેલી મહિલાઓ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરી રહી છે અને તાલિબાન સરકારના આ હુકમનામા સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે.
મહિલાઓ #DoNotTouchMyClothes અને #AfghanistanCulture હેશટેગ સાથે પોતાની તસવીરો શૅર કરી રહી છે.
આ ઉપરાંત ઘણી મહિલાઓએ લખ્યું છે કે અફઘાન સંસ્કૃતિ સુંદર રંગોત્સવ છે. એમાં બુરખો અને મહિલા દમન ક્યારેય નહોતું. આ કૅમ્પેનને સોશિયલ મીડિયા પર સમગ્ર દુનિયાના યુઝર્સ સપોર્ટ કરી રહ્યા છે.
નોંધનીય છે કે શરૂઆતમાં લગભગ સો અફઘાન મહિલાઓએ મળીને આ સોશિયલ મીડિયા અભિયાન #AfghanistanCultureની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં ઘણી અફઘાન મહિલાઓએ આ અભિયાનને પોતાનો ટેકો આપ્યો છે.
દેશ અને વિદેશમાં રહેતી હજારો અફઘાન મહિલાઓ પરંપરાગત ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરી રહી છે.