ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
બ્રિટિશ અને બેલ્જિયન મૂળની સૌથી યુવા ઝારા રધરફોર્ડે માત્ર ૫ મહિનામાં ૫ ખંડોની મુસાફરી કરી ઈતિહાસ રચ્યો છે. ૧૯ વર્ષીય ઝારા પોતાના નાના પ્લેન દ્વારા આખી દુનિયા ખેડનારી વિશ્વની સૌથી યુવા મહિલા બની છે. ઝારા તેના માઇક્રો લાઇટ પ્લેનથી બેલ્જિયમના કોર્ટિજક એરપોર્ટ પર ઉતરી ત્યારે તેણે ૫ મહિનામાં ૫ ખંડોની સફર પૂર્ણ કરી હતી. આ પ્લેનની મદદથી ઝારાએ ૫૨ દેશોમાં ૫૧ હજાર કિમીનું અંતર કાપ્યું હતું.
ઝારા ૧૮ ઓગસ્ટે વિશ્વના સૌથી ઝડપી માઈક્રો લાઈટ પ્લેનથી દુનિયાની સફર પર નિકળી હતી. ઝારા જ્યારે બેલ્જિયમમાં ઉતરી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનુ સ્વાગત કર્યું હતું. તે અત્યંત ખુશ હતી. ઝારાએ જણાવ્યું કે, આ એક રોમાંચક સફર હતી. આટલી લાંબી મુસાફરી સરળ ન હતી. મુસાફરી દરમિયાન ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બાદ અલાસ્કામાં વિઝામાં વિલંબ તેમજ હવામાન ખરાબ હોવાથી ૧ માસ સુધી ત્યાં રોકાવવું પડ્યુ હતું.
ઝારા પૂર્વીય રશિયામાં અટવાઈ હતી. જ્યાં ઠંડી આબોહવાની સાથે વાવાઝોડાનો સામનો કર્યો હતો. રશિયાથી તે ફરી દક્ષિણ એશિયા તરફ જવા રવાના થઈ હતી. દક્ષિણ એશિયાથી પશ્ચિમ એશિયા થઈ ફરી પરત યુરોપ પહોંચી છે. તેની સૌથી યાદગાર મુસાફરી ન્યૂયોર્ક અને ત્યારબાદ આઈલેન્ડમાં એક સક્રિય જ્વાળામુખીની રહી. તે દરમિયાન તે ભયભીત થઈ હતી કે, ક્યાંક જીવન પૂર્ણ તો નથી થઈ જાય નેપ આ ભય તેમને સાયબેરિયાના વિસ્તાર અને ઉત્તર કોરિયાના હવાઈ સ્પેસમાંથી નીકળ્યા બાદ પણ અનુભવ્યો હતો.
આ રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઝારાને વિશ્વના બે વિપરિત હિસ્સા સુધી પહોંચવાનું હતું. તે દરમિયાન તે ઈન્ડોનેશિયાના ઝાંબી અને કોલંબિયાના ટુમાકોમાં ઉતરી હતી. ઝારાએ આ ઉડાન મારફત અફઘાનિસ્તાનમાં જન્મેલી અમેરિકી નાગરિક શાઈસતા વેસનો રેકોર્ડ તોડ્યો છે. શાઈસતાએ ૨૦૧૭માં ૩૦ વર્ષની વયે એકલા મુસાફરી કરી આ રેકોર્ડ બનાવ્યો હતો.
આ મુસાફરી દરમિયાન ઝારાએ મ્યુઝિકનો સાથ લીધો હતો. અને સંપૂર્ણ મુસાફરીનો આનંદ લીધો હતો. બેલ્જિયમના બદલે તેને જર્મની ઉતરવાનું હતું. પરંતુ ભારે વરસાદ અને હીમવર્ષાના કારણે ઉતરી શકી ન હતી. જાે કે, બેલ્જિયમ વાયુ સેનાના એરોબેટિક્સ ટીમે તેની મદદ કરતાં આ મુસાફરી પૂર્ણ થઈ હતી.
ઝારા માત્ર ૧૪ વર્ષની વયે પાયલોટની ટ્રેનિંગ મેળવી હતી. ૨૦૨૦માં પાયલોટનું લાયસન્સ મેળવ્યું હતું. તે એક અંતરિક્ષયાત્રી બનવા માગે છે. તેને આશા છે કે, આ રેકોર્ડ અન્ય મહિલાઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, હવાઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનાવવા માટે પ્રેરિત કરશે તેણે કહ્યું કે, મહિલાઓએ મોટાભાગે સુંદર, દયાવાન અને મદદગાર બનવા માટે પ્રેરિત કરવામાં આવે છે. હું મારી ઉડાન મારફત બતાવવા માગતી હતી કે, મહિલાઓ પણ મહત્વાકાંક્ષી લક્ષ્યો પૂર્ણ કરી શકે છે. તેમના માટે રોલ મોડલ બનવા માગતી હતી.