તમાકુ છોડો, સ્વાસ્થ્ય જાળવો! આજે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. જાણો ઇતિહાસ અને ઉજવણીનો ઉદ્દેશ્ય

ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ૯ વર્ષમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બનેલા ૯૦ હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી વર્ષ ૨૦૨૨-૨૩માં આશરે ૮ થી ૧૦ હજાર દર્દીઓને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી તમાકુથી થતા કેન્સર સામેની લડતમાં સરકાર અને સામાજિક અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસોઃ આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ- ‘‘વી વોન્ટ ફુડ,નો ટોબેકો...’’

by kalpana Verat
Anti-Tobacco Day 2023: World No Tobacco Day date, history, significance, theme

News Continuous Bureau | Mumbai

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના ઉપયોગથી આરોગ્ય સામે ઉભા થતા જોખમો સામે લોકજાગૃત્તિ કેળવવા અને ધૂમ્રપાન સહિત તમાકુ પેદાશોના સેવનને ઘટાડવા માટે દર વર્ષે તા.૩૧ મેના દિવસને ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમોથી લોકોને તમાકુની શરીર પર થતી હાનિકારક અસરોથી અવગત કરાવવા સાથે તમાકુમુક્તિ, વ્યસનમુક્તિ માટે પ્રેરિત કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘‘વી વોન્ટ ફુડ,નો ટોબેકો…’’ની થીમ પર ઉજવણી થઈ રહી છે.

તમાકુના સેવનથી માનવશરીર પર થતી હાનિકારક અસરોની વિગતો આપતા સુરતની ભરત કેન્સર હોસ્પિટલના રેડિએશન ડિપાર્ટમેન્ટના વડાશ્રી ડો.નિલેશ મહાલેએ જણાવ્યું હતું કે, તમાકુથી ૧૫ થી ૨૦ પ્રકારના કેન્સર થઈ શકે છે, જેમાં મોં, ગળા, અન્નનળી, ફેફસા, પેશાબની કોથળીનું કેન્સર પ્રમુખ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આયુષ્માન ભારત યોજના, મા અમૃત્તમ યોજનાનું અમલીકરણ શરૂ કરતા વર્ષ ૨૦૧૪ થી જ ભરત કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન ૯ વર્ષના સમયગાળામાં તમાકુના સેવનથી અસાધ્ય કેન્સરપીડિત ૯૦ હજાર દર્દીને આયુષ્માન કાર્ડ થકી ઓપરેશન કરવામાં આવ્યા છે, કેન્સરનું ઓપરેશન, સર્જરી અને કિમો થેરાપી પણ આવરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આશરે ૮ થી ૧૦ હજાર દર્દીઓને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી છે.

કેન્સરના દૈત્ય સામેની લડતમાં સરકાર અને સામાજિક તેમજ આરોગ્ય સંસ્થાઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, ત્યારે કેન્સરના દર્દીએ હિંમત હાર્યા વગર સઘન સારવાર લેવી જોઈએ. પ્રાથમિક તબક્કાનું કેન્સરના દર્દી ઝડપભેર સ્વસ્થ થઈ શકે છે. કેન્સરના દર્દીઓએ સારવાર લેવામાં વિલંબ ન કરવો જાઈએ એમ ડો.નિલેશ મહાલે જણાવે છે.

આ સમાચાર પણ વાંચો: એક વડાપ્રધાન આવા પણ! પુત્રએ વડાપ્રધાનના નિવાસસ્થાને કરી પાર્ટી, જાપાનના પીએમએ કહ્યું- જે કર્યું તે ખોટું હતું! પદ પરથી હટાવ્યો

ડો.મહાલેએ વધુમાં કહ્યું કે, તમાકુની ખેતી કરવાથી જમીન અને પાણીના બગાડની સાથોસાથ માનવ-શરીરને પણ નુકસાન પહોંચે છે, જેથી તમાકુની ખેતી પર પ્રતિબંધિત જાહેર કરવી એ આ થીમનું હાર્દ છે. ખેડૂતોએ ખેતરમાં શાકભાજી, ફળફળાદિની ખેતી કરવી જોઈએ, જેથી લોકોનું સ્વાથ્ય પણ જળવાશે અને જમીનને પણ નુકસાન થતું અટકશે.

તમાકુ નિષેધ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય સમજાવતાં ડો.મહાલે જણાવે છે કે, તમાકુના ગેરફાયદાઓ જાણીને લોકો સ્વયંભૂ જાગૃત્તિ કેળવે તે પણ અતિ આવશ્યક છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. અમે આ નુકસાન વિષે જણાવી લોકોને ખાસ કરીને યુવાપેઢીને તમાકુ છોડવા માટે પ્રેરિત કરીએ છીએ.

તમાકુ નિષેધ દિવસની તવારીખ

તમાકુના સેવનથી થતી બીમારીઓ અને મૃત્યુના વધતા આંકડાઓને કારણે વિશ્વભરમાં જાગૃત્તિ આવે એ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત વર્ષ ૧૯૮૭માં કરી હતી. પહેલી વાર તા.૭ એપ્રિલ ૧૯૮૮ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો. ત્યારબાદ તા.૩૧ મે, ૧૯૮૮ના રોજ ડબ્લ્યુએચઓ દ્વારા પ્રસ્તાવ પાસ થયા બાદ તમાકુ નિષેધ દિવસને દર વર્ષે ૩૧મે ના રોજ મનાવવામાં આવે છે.

તમાકુના સેવનથી દર વર્ષે લગભગ ૮૦ લાખ અને ભારતમાં દર વર્ષે ૧૨ લાખ લોકો મૃત્યુ પામે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, વિશ્વમાં દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકો જ્યારે ભારતમાં દર વર્ષે ૧૨ લાખ લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુના સેવનથી હૃદય રોગ, બ્રેઈન સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થાય છે. તમાકુના કારણે થતા કેન્સર જેવા અસાધ્ય રોગથી બચી શકાય એ માટે સરકાર દ્વારા રેલી, સેમિનાર, નાટક, સંગીત જેવા જનજાગૃત્તિ કાર્યક્રમો યોજી કરી તમાકુના ગેરલાભોથી લોકોને જાગૃત્ત કરવામાં આવે છે.

તમાકુથી તંદુરસ્તી પર વિપરીત અસર પડે છે

તબીબોના મતાનુસાર તમાકુથી દાંત, ફેફસા અને રોગપ્રતિકારક શક્તિ કમજોર પડે છે, દાંત સમય પહેલા ખરી પડે છે. દાંત-મોં સબંધિત બીમારીઓ ઉપરાંત આંખોની રોશની પણ ઓછી કરી નાંખે છે.

તમાકુ ખાવાથી મોંનું કેન્સર થવાની સંભાવના:

તમાકુમાં રહેલું નિકોટીન બ્લડપ્રેશર પણ વધારે છે. ધૂમ્રપાન દરમિયાન ધૂમાડો આખા શ્વસનતંત્ર સહિત આંખ, કાન અને ફેફસાને પ્રભાવિત કરે છે. તેને મોં સાથે સીધો સંબંધ હોય તમાકુથી મોંનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તમાકુ ખાનારા મોટાભાગના લોકો મોઢું સંપૂર્ણ રીતે ખોલી શકતા નથી. મોંની અંદર બંને તરફ સફેદ લાઈન કેન્સર તરફ વધવાનો સંકેત છે.

તમાકુના વ્યસનીને નિકોટીનની આદત પડી જાય છે

તમાકુના વ્યસનીને નિકોટીનની આદત પડી જાય છે. તેની અસર મગજ ઉપર પણ પડે છે. તમાકુ ખાનાર વ્યક્તિને લાગે છે કે મગજને શાંતિ મળી રહી છે, પણ આખરે તેનો આદિ બની જાય છે. એવા લોકોને જ્યારે તમાકુ ન મળે ત્યારે તે બેચેન, પરેશાન, આકુળવ્યાકુળ બની જાય છે.

તમાકુ સેવન કરનારી મહિલાઓમાં ગર્ભપાત દર સામન્ય મહિલાઓ કરતાં ૧૫ ટકા વધુ

આજના આધુનિક યુગમાં મહિલાઓ કુસંગતિ, દેખાદેખીના ચક્કરમાં સિગરેટ અને તમાકુનું સેવન કરતી થઈ છે. આવી મહિલાઓમાં ગર્ભપાતનો દર સામાન્ય મહિલાઓ કરતાં ૧૫ ટકા વધુ હોય છે. તમાકુના સેવનના કારણે મહિલાઓને ફેફસાંનું કેન્સર, હ્રદયરોગ, શ્વસનરોગ, પ્રજનન સંબંધિત વિકાર, ન્યુમોનિયા, મોંનું કેન્સર વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More