News Continuous Bureau | Mumbai
Gond Katira Daily Dosage। ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડક પહોંચાડવા માટે ગુંદ કતીરા (Gond Katira) નું સેવન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે એક ઉત્તમ નેચરલ બોડી કુલર છે, જે શરીરનું તાપમાન નિયંત્રિત રાખવાની સાથેસાથે નબળાઈ અને ડિહાઇડ્રેશન (પાણીની અછત) થી બચાવવામાં મદદ કરે છે. ઘણા લોકો તેને દૂધ, શરબત અથવા ઠંડાઈમાં મિક્સ કરીને પીતા હોય છે. પરંતુ, મોટાભાગના લોકોના મનમાં એ સવાલ હોય છે કે દિવસભરમા કેટલા પ્રમાણમાં ગુંદ કતીરા ખાવો સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. નિષ્ણાતોના મતે, ગુંદ કતીરા નું મર્યાદિત માત્રામાં સેવન કરવું જ હિતાવહ છે, કારણ કે જરૂરિયાત કરતા વધુ ખાવાથી પેટને લગતી તકલીફો થઈ શકે છે.
૧ દિવસમાં કેટલો ગુંદ કતીરા ખાવો જોઈએ?
એક સ્વસ્થ વ્યક્તિએ દિવસભરમાં અંદાજે ૧ થી ૨ ચમચી પલાળેલો ગુંદ કતીરા ખાવો પૂરતો માનવામાં આવે છે. ગુંદ કતીરા ના નાના ટુકડાને આખી રાત પાણીમાં પલાળી રાખવાથી તે જેલ અથવા બરફના ચૂરા જેવો ફૂલી જાય છે. આ રીતે પલાળેલા ગુંદનો સવારે અથવા બપોરના સમયે ઉપયોગ કરવો શરીર માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. કાચો કે વગર પલાળેલો ગુંદ ક્યારેય ન ખાવો જોઈએ.
લૂ અને ગરમીથી બચાવવા સહિત જાણો ગુંદ કતીરા ખાવાના મુખ્ય ફાયદા
ગુંદ કતીરા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે, તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
શરીરને રાખે ઠંડુ: ગુંદ કતીરા ની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, જે ઉનાળામાં લાગતી લૂ અને શરીરની આંતરિક ગરમીથી બચાવે છે.
ડિહાઇડ્રેશનથી બચાવ: તે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને લાંબા સમય સુધી બોડીને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
નબળાઈ અને થાક દૂર કરે: તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફોલિક એસિડ હોય છે, જે ઉનાળામાં થાક, અશક્તિ અને ચક્કર આવવાની સમસ્યા દૂર કરી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
પાચનતંત્ર માટે ઉત્તમ: તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં મોટી રાહત આપે છે.
ત્વચા માટે લાભદાયી: ગરમીના દિવસોમાં ત્વચાને હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ રાખવા માટે પણ તે મદદરૂપ માનવામાં આવે છે.
સેવન કરતી વખતે કઈ સાવચેતી રાખવી જરૂરી?
ગુંદ કતિરા નો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે. જો તેનું જરૂરિયાત કરતાં વધુ સેવન કરવામાં આવે તો ગેસ, પેટ ફૂલવું (બ્લોટિંગ) કે અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસ અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડાતા લોકોએ પોતાની ડાયટમાં આનો સમાવેશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. આ ઉપરાંત, નાના બાળકો અને સગર્ભા મહિલાઓને પણ તે મર્યાદિત માત્રામાં જ આપવો હિતાવહ છે. (નોંધ: આ લેખમાં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે, કોઈપણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)