News Continuous Bureau | Mumbai
Mahatma Gandhi: સમગ્ર વિશ્વને અહિંસા બળમાં રહેલી અમોધશક્તિના દર્શન કરાવનાર યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી.
કેટલીક વિશ્વવધ, વિચક્ષણ અને વિરલ વિભૂતિઓના પગલા આ ધરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભૂસી શકતો નથી. ભારતની પ્રજા જેમને ‘યુગપુરુષ’, ‘રાષ્ટ્રપિતા’, ‘સાબરમતીના સંત’, ‘મહાન ફરિસ્તા’ તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી ( Mohandas Karamchand Gandhi ) એટલે વિશ્વને ભારત તરફથી અપાયેલી ‘વિશ્વ માનવ’ ની મહાન ભેટ ! તેમને જન્મ આપીને તેમના ધર્મ પરાયણ માતા પૂતળીબાઈ જ નહીં, પરંતુ સ્વયં ભારતમા ધન્ય બની ગઈ છે ! તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દીવાનપદે હતા.
મુઠ્ઠી હાડકાના આ માનવીમાં એવી તો કઈ દૈવી શક્તિ હતી કે જેમના ‘સત્ય –અહિંસા’ના શસ્ત્રો અને શાંત – અહિંસક સત્યાગ્રહો ( Nonviolent Satyagraha ) આગળ બ્રિટિશ સરકારના તમામ શસ્ત્રો બુટ્ઠા થઈ ગયા! એમના ચારિત્ર્યને પ્રતિભાથી પ્રભાવિત અનેક માનવ- વિભૂતિઓ તેમના વિશાળ પરિવારમાં ‘રત્ન’ સમી બની ગઈ! તેમણે વકીલાતની કમાણી છોડી દઈ ભારતની આઝાદીનું ( India Independence ) સબળ નેતૃત્વ લીધું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર કર્યો. સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષરતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોદ્વાર, દલિતોદ્વાર, સ્ત્રીસ્વાતંત્ર્ય જેવા એ સમયના અનેક પ્રશ્નો સામે ભારે લડત ઉપાડી.
બાપુએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યુ પોતાના અસાધારણ કાર્યોથી. ૧૯૧૭માં તેમણે ચંપારણ સત્યાગ્રહ કર્યો. ૧૯૨૨માં તેમણે અસહકાર આંદોલન ચલાવ્યું અને ગિરફતાર થયા. ૧૯૩૦માં સવિનય કાનૂનભંગ કર્યો અને દાંડી પહોંચવા ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમેથી ( Sabarmati Ashram ) દાંડી કૂચ આરંભ કરી. ૫ મી એપ્રિલે દાંડી ગામે પહોંચી, છઠ્ઠી એપ્રિલે સવારે દરિયાકિનારે જઈ ચપટી મીઠું ઉપાડીને “નમક કા કાનુન તોડ દિયા” કહી અંગ્રેજ સરકારની ઇમારતને લૂણો લગાડ્યો. ૧૯૪૨માં હિંદ છોડો ચળવળ જગાડી. આ અને આવા અનેક અસાધારણ કાર્યો બાપુએ જનકલ્યાર્થે કર્યા.

Today is the birth anniversary of Mahatma Gandhi, the great Vibhuti know the interesting facts related to his life.
ગાંધીબાપુનું ( Gandhi Bapu ) જીવન તો એક યજ્ઞ સમ હતું. પોરબંદરમાં જન્મેલા ગાંધીજીના બાળપણને પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્ય.શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં વીત્યું. સામાન્ય જુવાનીમાં અજાણપણે થઈ ગયેલી કેટલીક સહજ ભૂલો છતાં ભૂલોની જાહેરમાં કબૂલાત કરી તેને સુધારવા મથતા આ મહામાનવે પોતાના જીવનની સોનેરી- પ્રેરક સંદેશની બાયોગ્રાફી ‘સત્યના પ્રયોગ અથવા આત્મકથા’ નામે પ્રસિદ્ધ કરી. આજે વિશ્વનું આ અમૂલ્ય નજરાણું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ લાખો આવૃત્તિઓ ધરાવે છે. આ પુસ્તક દરેક બાળક અને શિક્ષક – વાલીઓએ અચૂક વાંચવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ છલકાયો, નર્મદા મૈયાના પાવન જળના CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વધામણાં. જુઓ ફોટોસ.
તેમનું વ્યક્તિત્વ ડાયનેમિક, અત્યંત ગતિશીલ, નિર્મોહીને નિર્મળ હતું. સ્વભાવે નીડર ને સ્પષ્ટવકતા ગાંધીજીની ત્રણેક વિશિષ્ટતાઓ સૌના દિલમાં વસી જાય એવી છે. એક, તેમના શુદ્ધ -પવિત્ર વિચારો અને આચારમાં અદભુત એકતા હતી. બે પોતે જેવા હતા તેવા જ સમાજ આગળ પ્રગટ થઈ જવાની પારદર્શિતા તેમનામાં જોવા મળે છે અને ત્રણ ભારતની ગુલામ પ્રજાને આઝાદ કરવા શાત સત્યાગ્રહો,અહિંસક કાર્યક્રમોને આમરણા અનશનોથી રચાયેલી તેમની જીવન જીવવાની શૈલી ક્રાંતિકારી હતી. વળી, પોતાના સિદ્ધાંતોને શ્રમભેર જીવનમાં ઉતારી –અપનાવી કસ્તુરબામાં જગાડી અને પતિવ્રતા- રાષ્ટ્રમાતા કસ્તુરબા પણ તેમની પડખે રહ્યા એ એમના જીવનની મોટી સફળતા ગણી શકાય.
ખુલ્લા મનના સત્યશોધકને છાજે એવી નમ્રતા સાથે વિનોદવૃત્તિ પણ તેમના સ્વભાવમાં જોવા મળે છે. તેમનું જીવન સાદગી, સંયમ, ચોકસાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી ઓપતું હતું.
બાપુ ( Gandhiji ) જાતમહેનતમાં જ માનતા અને કહેતા, “જાત મહેનત સિવાય નો રોટલો ખાવાનો કોઈને અધિકાર નથી.” તેઓ સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. પોતાના સમયપત્રકમાં તેઓ ક્યારેય ફેરફાર કરતા ન હતા ને કોઈનેય એમ કરવા દેતા ન હતા. નાનપણમાં કસરત પ્રત્યે તેઓને અણગમો હતો. પરંતુ જીવનભર તેઓ નિયમિતપણે સવાર-સાંજ ચાલવા તો જતાં જ. નિયમિત રીતે રેંટિયો કાતતા. બાળકો તેમને ખૂબ પ્રિય હતા.
‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવું કહી શકનારા ગાંધીબાપુએ સાબરમતી અને વર્ધામાં આશ્રમો સ્થાપી દેશસેવકો તૈયાર કર્યા, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને તેમજ ભાવનાઓને પુનર્જીવિત કર્યા. તેઓ સ્વદેશી ચીજોના ભારે હિમાયતી હતા. તેમણે અનેકવાર જેલવાસ વેઠયો, આમરણાંત ઉપવાસ કર્યા, ગરીબોની હાલત નિહાળી પોતાના દેહ પર વણેલું ખાદીનું માત્ર એક કાપડ જ આજીવન ધારણ કર્યું. ખાદી, ચરખા દ્વારા સ્વાવલંબી થવાનો સંદેશ આપ્યો. તેઓ જીવનનાં ડગલે ને પગલે જે કાંઈ માનતા તેને જ આચરણમાં ઉતારતા અને બીજાઓ પ્રત્યે હંમેશા ઉદારતા બતાવતા. તેમણે ‘હરિજનબંધુ’, ‘યંગ ઇન્ડિયા’, ‘લોકજીવન’ જેવા સામયિકો દ્વારા પ્રજાને જાગૃત કરી પ્રેરણાદાયી સંદેશ મુક્યો. સાહિત્યકાર તરીકે તેમણે પોતાની આગવી મુદ્રા માતૃભાષા ગુજરાતી સાહિત્યમાં ઉપસાવી. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘સાથ જોડણીકોશ’ એ ગુજરાતી ભાષાને તેમનું મહત્વનું પ્રદાન છે.
૧૮૬૯ના ઓક્ટોબર માસની બીજી તારીખે અવતરણ પામેલા સ્વાતંત્ર્યસંગ્રામના ‘સપૂત’ ગાંધીજીને તા.30 જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે નથુરામ ગોડસેએ દિલ્હીની પ્રાર્થનાસભાના પવિત્ર વાતાવરણમાં ગોળીઓથી વિંધી નાખ્યા…..! ‘હે રામ!’ બોલી તેઓ ત્યાં જ ઢળી પડ્યા, મરીને અમર થઈ ગયા. જ્યાં સુધી આભ અને અવનીમાં સૂર્ય, ચંદ્ર અને સિતારાઓ ઝગમગતા રહેશે ત્યાં સુધી ‘બાપુ’નું નામ રોશન રહેશે. તેઓ વ્યક્તિ નહીં વિભૂતિ હતા, પુરુષ નહીં પરમહંસ હતા, માનવ નહીં માનવેન્દ્ર હતા. જીવન એ તેમની મહત્તાનું કાવ્ય હતું, મૃત્યુ એ તેમની મહત્તાનું મહાકાવ્ય બન્યું. સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્યો. એમના કાર્યો આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. તેઓ ભારતના માત્ર રાષ્ટ્રપિતા નહોતા, પરંતુ ભારત જેવા મહાન લોકશાહી દેશની એક સાંસ્કૃતિક ઘટના હતા. તેમનામાં કૃષ્ણ, બુદ્ધ, ઇસુ અને મહાવીરનો સમન્વય થયો હતો. આમ, તેઓ સત્યના સાધક, અહિંસાના ઉપાસક અને કરુણાના કર્મયોગી હતા.
આ સમાચાર પણ વાંચો : Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા પોરબંદરમાં કરશે આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનું નેતૃત્વ, 1 લાખથી વધુ ‘મેરા યુવા ભારત’ સ્વયંસેવકો ઝુંબેશમાં જોડાશે.
આજે ગાંધીજી આપણી વચ્ચે નથી, પરંતુ આપણે ત્યાં ગાંધીજયંતી આજે પણ ઉજવાય છે. કામદારો રેંટિયા બારસનો દિવસ ‘ગાંધી જન્મદિન’ તરીકે મનાવે છે. ગાંધી જયંતીની ઉજવણીમાં ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતોનો કોઈ પણ રીતે ભંગ ના થાય તેની કાળજી લઇ ગાંધીજયંતિએ બમણું કામ કરો, દુઃખીઓના દુઃખ સાંભળી તેને હળવા કરો, અન્યાયનો પ્રતિકાર કરો, ગામો-શેરી-પોળો-સેક્ટરો, નગરો સ્વચ્છ રાખો, ભૂખ્યા-શોષિત પીડિતોના આંસુ લૂછો, સાચુ બોલો, અબોલા તોડો, હળીમળીને પ્રેમથી જીવો, ગાંધીજીએ ચીંધેલ માર્ગે ચાલો, બાપુના જીવનમાંથી પ્રેરણા લો તો જ આ દિનની ઉજવણી સાર્થક થઇ ગણાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.