News Continuous Bureau | Mumbai
World Bee Day :
ડૉ . મધુકાંત પટેલે વિકસાવ્યા ‘સ્માર્ટ મધપૂડા’
ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવી “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” – મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીઓનો ગણગણાટ ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ મધપેટી – મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ્રોમિટર
- વેદોમાં મધને ‘વાહિની’ – સ્માર્ટ કેરિયર કહેવામાં આવ્યું- ૧૦૦થી વધુ શ્લોકો.
- મધમાખી સ્માર્ટ પર્યાવરણ રક્ષક: તે એક જ પ્રજાતિ (ગોત્ર)ના છોડ વચ્ચે ફલીકરણ કરતી નથી
- અલગ અલગ ફૂલોમાંથી ૧૪૦ પ્રકારના મધ બને છે
ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા છે. જે મધમાખી ઉછેરને વધુ કાર્યક્ષમ, સરળ અને ફળદાયી બનાવી રહ્યા છે. તેમના આ સ્માર્ટ મધપૂડાથી મધની ગુણવત્તા સુધરે છે અને ખેતીવાડીને પણ ફાયદો થાય છે.ટ્રેડીશનલ બી-કિપીંગ એટેલ કે પરંપરાગત મધમાખી ઉછેરમાં કેટલીક મર્યાદાઓ હોય છે, જેમ કે મધપેટી કે મધપૂડાની નિયમિત–વારંવાર તપાસ કરવી મુશ્કેલ છે. મધમાખીના સમૂહોનું દૂરથી નિરીક્ષણ કરવાથી સંપૂર્ણ જાણકારી મળતી નથી. આ પડકારોનો સામનો કરવા માટે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મધપૂડાઓનો ઉપયોગ થાય છે જે તાપમાન, ભેજ, વજન (લોડ સેલ) અને મધપૂડાનો અવાજ (મધમાખીઓનો ગણગણાટ) ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ હોય છે. આ સેન્સરથી મધપૂડાની અંદરની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી શકાય છે અને જરૂરી ડેટા મેળવી શકાય છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ દ્વારા આ ડેટાનું વિશ્લેષણ કરીને મધમાખી ઉછેર કરનારાઓને મધઉછેરની ઉપયોગી માહિતી અને સૂચનો આપવામાં આવે છે. આનાથી મધપૂડામાં થતી અસામાન્ય ઘટનાઓ જેવી કે મધમાખીઓનું એકસાથે ઉડી જવું (સ્વાર્મિંગ) કે પછી આખા મધપૂડાનું નાશ પામવું (કોલોની કોલેપ્સ ડિસઓર્ડર) જેવી સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળે છે.આ સિસ્ટમમાં “જીઆઈએસ મેપિંગ” (GIS mapping) અને “રિમોટ સેન્સિંગ” (remote sensing) ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. તેનાથી મધપૂડાના સ્વાસ્થ્યનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી શકાય છે અને પરાગનયન (cross-pollination) ને વધુ સારું બનાવી શકાય છે.
વધુમાં, એક હાથમાં પકડી શકાય તેવું “સ્પેક્ટ્રોમીટર” (spectrometer) મધની ગુણવત્તા અને શુદ્ધતાનું અનુમાન લગાવે છે, અને મધ ક્યાંથી આવ્યું છે તે પણ જાણી શકાય છે (traceability). આ ટેકનોલોજીનો ઉદ્દેશ મધ અને મધમાખીના અન્ય ઉત્પાદનો જેવા કે રોયલ જેલી, પરાગ, પ્રોપોલિસ, અને મીણનું ઉત્પાદન વધારવાનો છે. આનાથી મધમાખી ઉછેર કરનારાઓને ફાયદો થાય છે અને પરાગનયનની કાર્યક્ષમતામાં સુધારો થવાથી ખેતીવાડીને પણ મદદ મળે છે. ડૉ. મધુકાંત પટેલે મધની ગુણવત્તા ચકાસવા માટે એક સ્પેક્ટ્રોમીટર પણ વિકસાવ્યું છે, જે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જેવા નાનામાં નાના ઘટકોનું પણ વિશ્લેષણ કરી શકે છે. આ બધું “એડવાન્સ મશીન લર્નિંગ” (Advanced Machine Learning) અને “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” (Artificial Intelligence) ની મદદથી શક્ય બને છે.
આ સમાચાર પણ વાંચો : Bee Farming : સુરતના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી મેળવી નવી ઓળખ, વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે ૧૦ લોકોને પૂરી પાડે છે રોજગારી
ઉલ્લેખનીય છે કે, મધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રણી દેશ છે. આપણે ત્યાં મધમાખી ઉછેર (બી કિપીંગ) ઉદ્યોગ નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર 2024માં ભારતમાં મધમાખી ઉછેર બજારનું મૂલ્ય 2839.44 કરોડ રૂપિયા હતું. ભારતે 2023-24 દરમિયાન 1,07,963.21 મેટ્રિક ટન મધની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય 1518.86 કરોડ રૂપિયા હતું. મધમાખી ઉછેર સહિત કૃષિમાં AI, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ જેવી આધુનિક તકનીકો અપનાવવાનું ચલણ વધી રહ્યું છે. મધ ઉત્પાદનમાં પણ નવીન તકનીકોનો વિનિયોગ કરીને ઉભરતા ઉદ્યોગને નવા આયામ અને ગતિ આપવાનો સ્તુત્ય પ્રયાસ ડૉ. મધુકાંત પટેલે કર્યો છે.
ડૉ. મધુકાંત પટેલ જણાવે છે કે, મધ સંપૂર્ણ ખોરાક છે, સંપૂર્ણ સ્વાદ અને સંપૂર્ણ દવા છે. અલગ અલગ ફૂલોમાંથી ૧૪૦ પ્રકારના મધ બને છે. તમામ રોગના નિદાનમાં મધ ઉપયોગી છે. કયા પ્રકારની શારીરિક તકલીફમાં કયા મધનો પ્રયોગ કરવો તે માટે તજજ્ઞ વૈદ્યની સલાહ લેવી જોઈએ. માનુકા મધ મધુપ્રમેહ પણ મટાડે છે.
આપણા વેદોમાં મધ ઉપર ૧૦૦થી વધારે શ્લોકો લખાયા છે. વેદોમાં મધને ‘વાહિની’ – સ્માર્ટ કેરિયર કહેવામાં આવ્યું છે. શરીરના જે કોષ- સેલનું રીપેરીંગ કરવાનું છે, જ્યાં દવાની જરૂર છે મધ તેને ત્યાં પહોંચાડે છે. દવા તેના ગંતવ્ય કોષ સુધી પહોંચે નહીં ત્યાં સુધી મધ તેની આસપાસ રક્ષણાત્મક આવરણ બનાવી રાખે છે. એટલે જ તબીબ દવા મધ સાથે લેવાની સલાહ આપે છે.
મધમાખી સ્માર્ટ પર્યાવરણ રક્ષક પણ છે. જેમ એક ગોત્રમાં લગ્ન ના કરાય તેવો વૈજ્ઞાનિક મત છે, તેવી જ રીતે મધમાખી એક જ પ્રજાતિના છોડ વચ્ચે ફલીકરણ કરતી નથી. પુષ્પ, ફળ કે અનાજના અલગ અલગ પ્રજાતિના છોડ વચ્ચે જ તે પરાગનયન અને ફલીકરણ (ક્રોસ પોલિનેશન) કરે છે. જેથી પર્યાવરણમાં સક્ષમ અને રોગપ્રતિકારક વનસ્પતિઓ પુષ્પો, ફળો અને અનાજનું ઉત્પાદન જળવાઈ રહે છે. જો મધમાખી નાશ પામે તો પૃથ્વી પરથી મોટાભાગના સજીવો અને ખાસ કરીને મનુષ્યજાતિ પણ નાશ પામે. આખું વિશ્વ મધમાખી પર ટકેલું છે. જેમ વેદોમાં મધનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે, તેમ આધુનિક વિજ્ઞાન પણ તેના મૂલ્યને સમજી રહ્યું છે અને તેના સંવર્ધન માટે નવા રસ્તાઓ ખોલી રહ્યું છે.
વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલ દ્વારા વિકસાવવામાં આવેલી સ્માર્ટ મધપૂડા અને સંલગ્ન ટેક્નોલોજી મધમાખી ઉછેર ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ નવીન અભિગમ માત્ર મધ ઉત્પાદકો માટે જ ફાયદાકારક નથી, પરંતુ કૃષિ અને પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. મધમાખીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરીને અને પરાગનયનની પ્રક્રિયાને સુધારીને, ડૉ. પટેલનું કાર્ય એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યની દિશામાં એક સિંહફાળો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.