News Continuous Bureau | Mumbai
Astrology : જ્યારે ભવિષ્યની વાત આવે છે, ત્યારે જ્યોતિષ એ એક શાસ્ત્ર છે જે વ્યક્તિને આવનારા સમય વિશે અગાઉથી માહિતી આપી શકે છે. જ્યોતિષ શાસ્ત્રની આગાહીઓ પરથી જાતક આવનારા સમયમાં કેટલાક સારા અને ખરાબ ફેરફારો વિશે જાણી શકે છે. તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે પણ માહિતી આપી શકે છે. જ્યોતિષશાસ્ત્ર હોય કે તબીબી વિજ્ઞાન.. તેના વિકાસ અને અસ્તિત્વ નો મૂળ આધાર દુ:ખી અને માંદા જાતકો પર હોય છે. કારણ કે સુખી અને તંદુરસ્ત વ્યક્તિ જ્યોતિષી કે ડોક્ટર પાસે ક્યારેય જતો નથી. દુ:ખ અને માંદગીમાં માનવીનું અચેતન મન તેને સતત હેરાન કરતું રહે છે આવા સમયે આત્મવિશ્વાસનો અભાવ અને નબળું મન દુઃખી વ્યક્તિને જ્યોતિષી પાસે લઇ જાય છે.
આજકાલની ઝડપી લાઈફસ્ટાઈલમાં માનવીનું અર્ધ જાગૃત મન આડેધડે આગાહીઓના કારણે સૌથી વધારે ડિસ્ટર્બ થતું હોય છે. નકારાત્મક આગાહીઓની જવાબદારી પૂર્ણ કે મહદ અંશે જ્યોતિષીઓએ સ્વીકારવી જોઈએ. અલબત્ત અહીં નૈતિકતા અને પ્રમાણિકતાની વાત વધારે છે એટલે જવાબદારીનો ખુલ્લે આમ સ્વીકાર અઘરો અને કપરો છે.
તાજેતરની જ વાત છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક વેપારી, અમારી પાસે આવ્યા અને વ્યથિત મને કહેવા લાગ્યા કે, “સર, હું એક મોટો વેપારી છું અને મારી મહત્વકાંક્ષા, ઈચ્છા અને સપના ઊંચા છે. પરંતુ મેં હાલમાં જ એક જાણીતા જ્યોતિષીની વાર્ષિક ભવિષ્યની કોલમમાં વાંચ્યું કે, શનિ તમારી રાશિથી ધન સ્થાને અને રાહુ ચોથે સુખ સ્થાનમાં હોઈ તેમજ તમારા સૂર્ય પર શનિનું ભ્રમણ અને પનોતી ચાલુ હોઈ ધંધામાં ભારે તકલીફો આવે અને તન મન અને ધનની સ્થિતિ બગડે તેવા પૂર્ણ સંજોગો છે. તો શું આ ભવિષ્ય કથન સાચું છે ? જ્યારથી આ વાંચ્યું ત્યારથી મારું સબ કોન્સીઅસ માઈન્ડ ખોટા વિચારો ઘર કરી ગયા છે અને સકારાત્મક વિચારો બંધ થઈ ગયા છે કારણ કે જો આ જ્યોતિષીની વાત સાચી હોય તો મારે હવે બધું બંધ કરી દેવાની જરૂર છે એવું લાગે છે. આ રાશિ ભવિષ્ય ભૂલથી વંચાઇ ગયા બાદ મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. ઉઠતા, બેસતા કે હરતા ફરતાં બસ એક જ વાત મનમાં આવે છે કે બસ પેલા જ્યોતિષી એ લખ્યું તે પ્રમાણે હવે તો મારૂ બધું જ બગડવાનું છે.”
અમને આ લાગ્યું કે આ વેપારીને હવે માત્ર જ્યોતિષ જ નહીં પણ મોટીવેશનલ કાઉન્સેલિંગ પણ જરૂર છે. વાચકો ઉપરના કિસ્સાને સામાજિક દ્રષ્ટિએ-સ્વરૂપે સમજવાનો સમય આવી ગયો છે. કોઈ વ્યક્તિની તંદુરસ્તી બગડે તેના હજાર ઉપાય મળે છે પણ જ્યારે મનની દુરસ્તી બગડે તો જાણે આખેઆખો ભવ બગડ્યો હોય તેવો અનુભવ થાય છે. આ વેપારીના અચેતન મનમાં પેલા જ્યોતિષીની આગાહી ક્વીકફિક્સની જેમ ચોંટી ગઈ તેનો ઈલાજ તો સમય જ કરશે.

આપણાં આર્ષદ્રષ્ટા વરાહ અને ભૃગુના પેલા વાક્યો “શુભમ વદમ” અને “શ્રી રસ્ત્વત્ર (અહી આવેલાઓનું કલ્યાણ થાઓ)” નો સમય હવે પાકી ગયો છે. જ્યોતિષ એટલે સ્વયં ઈશ્વરનો પ્રકાશ. ઈશ્વરના પ્રકાશના સહારે લોકોને ઠગવાનું પાપકર્મ આપણા માથે ના આવે તે જોવાની આપની નૈતિક ફરજ છે. અમારું નિરીક્ષણ એવું છે કે કાલસર્પ યોગ અને વિષયોગ ગ્રંથમાં જેટલા લખાયેલા છે તેના કરતાં લાખોના પ્રમાણમાં લોકોના અચેતન મનમાં પડેલા છે.
કેમદ્રુમ યોગ ની માનસિકતા એવી છે કે આવો જાતક કાયમ પોતાના અચેતન મનથી એવું જ વિચાર્યા કરે છે કે તે કદાપિ ધનવાન કે શ્રીમંત નહીં થઇ શકે. પરિણામ સ્વરૂપ તે મહેનત અને પ્રમાણિક પ્રયત્નોથી પોતાની જાતને દૂર રાખે છે. એવામાં જો તમે પ્રયત્ન જ ના કરો તો તક ક્યાંથી મળે અને જો તક ના મળે તો નસીબ ઉઘડવાની આશા રાખવી વ્યર્થ છે. કુંડળીમાં આવેલા કાલસર્પ યોગના કુંડળીનો સાપ જ્યારે ડંખ મારશે ત્યારની વાત ત્યારે પણ અર્ધ જાગૃત મનમાં સ્થાયી થયેલા કાલસર્પ યોગના સાપ જાતકને સતત અને સમગ્ર જીવન ડંખ માર્યા જ કરે છે.
આ સમાચાર પણ વાંચો : આ દિવસથી શરુ થશે પંચક, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થશે આર્થિક નુકસાન… જાણો વિગતે..
વ્યક્તિનું જાગૃત મન દરેક સુવિચાર અને કુવિચારનું પ્રવેશદ્વાર છે. અને જો વારંવાર અશુભ વિચાર કે માન્યતાઓ જ્યોતિષ ના માધ્યમ દ્વારા જાતકના મનમાં ભરવામાં આવે તો અંતે આવી આઘાતજનક આગાહીઓ જાતકના અચેતન મનમાં ઘર કરી જાય છે. કારણ કે અચેતન મન માનવીનો સ્ટોરરૂમ છે, જ્યાં સમગ્ર જીવન બધુ જ સંગ્રહ થઈ પડ્યું રહે છે. અચેતન મનમાં સંગ્રહાયેલી બિનજરૂરી નકારાત્મક આગાહીઓ દૂર કરવા જાતકને ક્યારેક હિપ્નોટિસ્ટ, કાઉન્સેલર કે સાયકિયાટ્રિક ની જરૂર પડે છે. કારણ કે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિષી માટે આ અઘરો વિષય બની જાય છે. અર્ધ જાગૃત મનના એવા સકારાત્મક કિસ્સા પણ અમારી પાસે છે કે જેના દ્વારા જાતક પોતાનું જીવન સુખેથી પસાર કરે છે.
હમણાં હમણાં નો એક તરોતાજા કિસ્સો અમે રજૂ કરીએ. એક ભાઈ જ્યોતિષી પાસે ગયેલા. એ જ્યોતિષીએ કોઈ પણ લાલચ વિના તે ભાઈને પૌરાણિક ગ્રંથનો એક નુસખો બતાવ્યો. એ ભાઈની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ હતી આથી સૂર્ય તદ્દન નિર્બળ અવસ્થામાં હતો. પેલા જ્યોતિષીભાઈએ પુસ્તકના ઉપાય અનુસાર તે ભાઈના વજન અનુસાર ભારોભાર ગોળ અમાવસ્યાના દિવસે નદી માં વહાવવાનું કહ્યું.. અને તે ભાઈએ તે પ્રમાણે જ કર્યું. આ ભાઈ જ્યારે વર્ષો બાદ અમારી પાસે આવ્યા ત્યારે ઉપરોક્ત કિસ્સો અમને વર્ણવેલો. પણ અમે એવું માનીએ છીએ કે ઉપરોક્ત પ્રયોગથી તે ભાઈના અચેતન મનમાંથી તેમનો સૂર્ય નિર્બળ છે તે વાત બહાર નીકળી ગઈ અને પરિણામ સ્વરૂપ તેઓ આજે તેમના કહેવા અનુસાર સુખી છે. આમ જ્યોતિષ દ્વારા ક્યારેક અચેતન મન મજબૂત બની જાય ત્યારે જાતક અને જ્યોતિષીના પોઝિટિવ અભિગમ માટે સો સલામ કરવાની ઇચ્છા પણ થઈ જાય.
એટલે કે કહેવાનો અર્થ એ છે કે જ્યોતિષશાસ્ત્રના માધ્યમ દ્વારા કોઈનો આત્મવિશ્વાસ વધશે તો કોઈ પુણ્ય મેળવવાની કે સ્વર્ગની પ્રાર્થના કરવાની જરાય જરૂર નહીં પડે. જ્યોતિષશાસ્ત્ર કોઈના બુઝાઈ રહેલા દીવડામાં ઘી પુરવાનું કામ કરે છે… આ શાસ્ત્ર વહેમ નહિ પણ રહેમનું છે. આ એક પવિત્ર શાસ્ત્ર છે કોઈ દુઃખી જાતકને વાઢી નાખવાનું શસ્ત્ર નથી.
