News Continuous Bureau | Mumbai
28 માર્ચ, મંગળવાર આજે ચૈત્રી નવરાત્રીનો સાતમો દિવસ. આજે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. મા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી “શુભંકરી” તરીકે પણ ઓળખાય છે..
મા કાલરાત્રીની પૂજા વિધિ
નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રીની સામે ઘીનો દીવો પ્રગટાવો. દેવીને લાલ ફૂલ ચઢાવો. ગોળનો ભોગ ચઢાવો. દેવી માતાના મંત્રોનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો. પ્રસાદરૂપે ધરાવેલા ગોળમાંથી અડધો ભાગ પરિવારમાં વહેંચો. બાકીનો અડધો ગોળ બ્રાહ્મણને દાન કરો.
મા કાલરાત્રી પૂજાનો મંત્ર
જ્વાલા કરાલ અતિ ઉગ્રમ શેષા સુર સૂદનમ।
ત્રિશૂલમ પાતુ નો ભીતે ભદ્રકાલી નમોસ્તુતે।।
ઓમ દેવી કાલરાત્ર્યાય નમઃ ।
મા કાલરાત્રિની પૂજા કરવાથી થાય છે આ લાભ
શત્રુઓ અને વિરોધીઓને કાબૂમાં રાખવા માટે તેમની પૂજા ખૂબ જ શુભ છે. તેમની પૂજા કરવાથી ભય, અકસ્માત અને રોગોનો નાશ થાય છે. તેમની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા (તંત્ર-મંત્ર) પ્રભાવિત થતી નથી. જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રિત કરવા માટે, તેમની પૂજા કરવાથી અદ્ભુત ફળ મળે છે. જેમની કુંડળીમાં શનિ સંબંધી સમસ્યાઓ હોય તેમના માટે કાલરાત્રિની પૂજા ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
મા કાલરાત્રીની કથા
દંતકથા અનુસાર, શુમ્ભ-નિશુમ્ભ અને રક્તબીજ રાક્ષસોએ ત્રણેય લોકમાં હોબાળો મચાવ્યો હતો. તેનાથી ચિંતિત થઈને બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા. શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વિનાશ કરવા અને તેમના ભક્તોની રક્ષા કરવા કહ્યું. શિવની આજ્ઞા માનીને પાર્વતીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભ નો વધ કર્યો. પરંતુ જેવી જ દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો, તેના શરીરમાંથી નીકળેલા લોહીમાંથી લાખો રક્તબીજ ઉત્પન્ન થયા. આ જોઈને મા દુર્ગાએ તેમના તેજથી કાલરાત્રીનો રૂપ ધારણ કર્યો. રક્તબીજનો નાશ કરી અને તેના શરીરમાંથી નીકળેલા લોહીના દરેક ટીપાને તે જમીન પર પડે તે પહેલા પી લીધા. કારણ કે રાક્ષસને એક વરદાન મળ્યું હતું કે તેના લોહીનું એક પણ ટીપું જમીન પર પડશે તો તેમાંથી તે જ પ્રકારનો બીજો રાક્ષસ જન્મશે. તેમણે તમામ રાક્ષસોના ગળા કાપી નાખ્યા અને તેના મૃત માથા ગળામાં માળાની જેમ પહેરાવવા લાગ્યા હતા.