ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના બેંક ખાતામાંથી છેતરપિંડી કરી લાખો રૂપિયા ઉપાડી લેવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉની બે બેંકોમાંથી ચેક ક્લોનીંગ કરીને ટ્રસ્ટના ખાતામાંથી ઉચાપત કરવામાં આવી છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ જ્યારે ત્રીજી વાર બેંકમાં રકમ ઉપાડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે બેંક દ્વારા વેરિફિકેશન માટે શ્રીરામ મંદિર ટ્રસ્ટની ઓફિસે ફોન કરવાં આવ્યો હતો. ત્યારે ટ્રસ્ટના મહાસચિવે આવો કોઈપણ ચેક ઈશ્યુ કર્યો હોવાનો ઇનકાર કરતા આખી આ ઘટના સામે આવી છે.
બેંક ના ફોન દ્વારા જાણ થઈ હતી કે ટ્રસ્ટના ખાતામાંથી કોઈએ લાખો રૂપિયા ઉપાડી લીધા છે. પછી હોહા થતાં આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. અયોધ્યાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ લગભગ 6 લાખ રૂપિયાની રકમ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ઉપાડવામાં આવી છે. ગત 1 સપ્ટેમ્બરે લખનઉની એક બેંકમાંથી અઢી લાખ રૂપિયા, ત્યારબાદ બે દિવસ રહીને સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડવા માં આવ્યા હતા. પરંતુ જ્યારે ત્રીજી વાર 9.86 લાખ રૂપિયાનો ચેક લખનઉની BOB માં આવ્યો ત્યારે વેરિફિકેશન માટે શ્રીરામ ટ્રસ્ટને કોલ કર્યો હતો. આવો કોઈ પણ ચેક ઈશ્યુ કર્યાનો ઇનકાર કરી દીધા બાદ બેંકે છેતરપિંડી કરનાર વ્યક્તિને રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો..
