દિવાળીના બે અઠવાડિયા પછી દેવ દિવાળી નો પર્વ આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે, માટે માણસો, કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા, તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે, પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન આપવાનું વિશેષ મહત્વ છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા 29 અને 30 નવેમ્બરના રોજ છે. 29 નવેમ્બરના રોજ પૂર્ણિમા રાત્રિની પૂજા કરવામાં આવશે. જ્યારે પૂર્ણ ચંદ્ર સ્નાન અને ઉપવાસ 30 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં આજના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે સ્નાન અને દાનનું ખાસ માહાત્મ્ય છે. શાસ્ત્રોમાં બધા મહિનાઓમાં કાર્તિક મહિનાને આધ્યાત્મિક અને શારીરિક ઊર્જા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
કાર્તિક પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી છે અને આજના દિવસે દાન-પુણ્યનું અનેક ગણું માહાત્મ્ય છે. ભગવાન વિષ્ણુએ કાર્તિક પૂનમે ધર્મ અને વેદોની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. જેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. એક અન્ય માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાએ મહાદેવએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે એને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.