News Continuous Bureau | Mumbai
આ વખતે મે મહિનાની 30 તારીખ ખૂબ ખાસ છે. આ દિવસે વટ સાવિત્રીની સાથે શનિ જયંતિ અને સોમવતી અમાવસ્યા પણ છે. આ ખાસ દિવસે તિથિ, વાર અને નક્ષત્ર દ્વારા ત્રણ મોટા શુભ સંયોગ રહેશે. જે અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રત રાખનારી મહિલાઓ અને શનિ ભક્તો માટે મંગળકારી રહેશે. આ દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન, દાન અથવા પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. જ્યોતિષના મતે લગભગ 30 વર્ષ પછી આવો સંયોગ જોવા મળી રહ્યો છે. વટ સાવિત્રીના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર આ જ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. આ જ કારણસર આ દિવસે જન્મજયંતિ તરીકે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. કર્મનું ફળ આપનાર શનિદેવની કૃપા મેળવવા માટે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાંથી શનિ દોષ, ધૈયા, સાદે સતીથી મુક્તિ મળે છે. તેની સાથે જ શનિદેવની કૃપાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
અમાસના દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન, દાન અથવા પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. તેમની કૃપા મેળવવાનો એક સહજ ઉપાય એવો પણ છે કે વૃદ્ધ, રોગી, દિવ્યાંગ અને અસહાય લોકોની મદદ કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.
આ સમાચાર પણ વાંચો: 5 વર્ષ પછી ફરી ભારત આવી રહ્યો છે કેનેડિયન સિંગર જસ્ટિન બીબર; જાણો ક્યારે અને ક્યાં કરશે પરફોર્મ,કેટલો હશે ટિકિટ નો દર
હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે વટ સાવિત્રી પણ 30 મેના રોજ આવે છે. આ દિવસે શનિ જયંતીની સાથે સાથે સોમવતી અમાવસ્યા પણ આવી રહી છે. વટ સાવિત્રી અમાસ પરિણીતાઓ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે સાવિત્રીએ પૂજા કરીને યમદેવને પ્રસન્ન કર્યા અને પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડ ઉપર જળ ચઢાવીને તેના થડમાં કાચો દોરો બાંધે છે. પછી વટ વૃક્ષની પૂજા કરે છે. તે પછી સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના સાથે ઝાડની પરિક્રમા કરે છે.
સાવિત્રીનો અર્થ વેદ માતા ગાયત્રી અને સરસ્વતી પણ થાય છે. સાવિત્રીનો જન્મ પણ ખાસ સંજોગોમાં થયો હતો. કહેવાય છે કે ભદ્ર દેશના રાજા અશ્વપતિને કોઈ સંતાન ન હતું. સંતાનપ્રાપ્તિ માટે તેમણે મંત્રોચ્ચાર સાથે દરરોજ એક લાખ યજ્ઞો કર્યા. આ ક્રમ અઢાર વર્ષ સુધી ચાલતો રહ્યો. આ પછી સાવિત્રી દેવીએ પ્રગટ થઈને વરદાન આપ્યું કે રાજન તને અદભુત છોકરી જન્મશે. સાવિત્રી દેવીની કૃપાથી તેનો જન્મ થયો હોવાથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક ની લહેર, અમેરિકાના આ પ્રખ્યાત અભિનેતા નું થયું નિધન