News Continuous Bureau | Mumbai
Kali Chaudash : કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધનતેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું. પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે.
કાળી ચૌદશ નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડ્યું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
આજે તારીખ ૩.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
પૌરાણિક કથા મુજબ, નરકાસૂર નામના દૈત્યએ 16,108 કન્યાઓને બંદી બનાવી હતી. તેનાથી મુક્તિ મેળવવા માટે કૃષ્ણ ભગવાને નરકાસૂરનો વધ આ જ ચતુર્દશીના દિવસે કર્યો હતો. આ કન્યાઓને સમાજ ચારિત્ર્યહીન ગણી સ્વીકારશે નહીં તેની ચિંતાને કારણે સત્યભામાના સહયોગથી કૃષ્ણ ભગવાને તમામ સાથે વિવાહ કર્યા હતા, એટલે જ કૃષ્ણ ભગવાનની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે સૂર્યોદયથી પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરવાથી યમલોકના દર્શન કરવા પડતા નથી એવું માનવામાં આવે છે.
કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશનાં દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે.