ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
નવરાત્રીનો તહેવાર દેશભરમાં ભારે ધાંધલધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ નવરાત્રીનો તહેવાર વિદેશમાં પણ ખૂબ ધાંધલધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રી 9 દિવસનો મહોત્સવ છે જે માતા દેવી અને તેના વિવિધ સ્વરૂપો જેમ કે સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા અને ઘણા વધુને સમર્પિત છે. કહેવાય છે કે, નવરાત્રી ભારત દેશનો સૌથી લાંબો ચાલતો તહેવાર છે. સંગીત અને ભગવાનની આરાધનાના સંગમ સાથે આ તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. કહેવત છે ને કે બાર ગાઉએ બોલી બદલાય તેવું જ નવરાત્રીના તહેવારમાં પણ છે કે બાર ગાઉએ તહેવારની રીત-ભાત બદલાય છે. તો ચાલો દેશના અલગ અલગ રાજયોની નવરાત્રીની અલગ અલગ શૈલી વિશે જાણીએ.
1 પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં નવરાત્રીને દૂર્ગા પૂજાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા હિન્દુ બંગાળીઓ માટે મહત્વનો તહેવાર છે. આ તહેવારમાં પશ્ચિમ બંગાળના મોટા દુર્ગા મંદિરો, ઓડિસા, ઝારખંડ, બિહાર, પૂર્વીય નેપાળ, આસામ, ત્રિપુરા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર હજારો પંડાલ બનાવવામાં આવે છે અને દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક ધર્મપ્રેમીઓ પોતાના ઘરોમાં પણ દુર્ગા માની પૂજા અર્ચના કરી તહેવારની ઉજવણી કરે છે. ભ્રામક અને શક્તિશાળી ભેંસના સ્વપમાં મહિસાસુર રાક્ષસ સામે દુર્ગા માએ વિજય મેળવતાં તેમના માનમાં દુર્ગા પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે.
2 ઉત્તર ભારત
ઉત્તર ભારતમાં નવરાત્રીનો તહેવાર મંદિરો તેમજ અલગ અલગ જગ્યાઓ પર મોટાપાયે શ્રી રામના જીવનની કથાઓ પર રામલીલાનું આયોજન કરીને ઉજવે છે. રામલીલામાં ભજવાતા પાત્રો તેના સંવાદ તુલસીદાસ રચિત રામમાનસ પર આધારિત હોય છે. શહેરના ઐતિહાસિક ઈતિહાસમાં તે સૌથી નોંધપાત્ર છે. વારાણસી, અયોધ્યા, વૃંદાવન, અલમોરા, સતના અને મધુબની જેવા શહેરોમાં રામલીલા રંગેચંગે ભજવાય છે. આ ઉપરાંત ઉતરપ્રદેશ, ઉતરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં પણ રામનવમી રંગેચંગે ભજવવામાં આવે છે.
3 બિહાર
બિહારમાં પાનખરમાં નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નેપાળના સરહદ નજીક સીતામહી તેમજ તેના અન્ય સ્થળો પર વસંતઋતુ દરમિયાન વિશાળ રામનવમીના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં રામકથા પર નાટકો પણ ભજવાય છે. તહેવાર દરમિયાન મોટા પાયે વ્યાપાર મેળો ભરાય છે. તેમજ તેમાં ઘરગૃહસ્થિને લગતી તેમજ હાથવણાટની વસ્તુઓ, પરંપરાગત વેશ જેવી જુની ઢબની વસ્તુઓનું વેચાણ થાય છે.
4 ગુજરાત
નવરાત્રી ગુજરાતનો મુખ્ય તહેવાર છે. તેમજ નવરાત્રી ગુજરાતનો લાંબામાં લાંબો તહેવાર પણ માનવામાં આવે છે. નવરાત્રીમાં પરંપરાગત રીતે લોકો નવ દિવસોના ઉપવાસ રાખે છે. મા શક્તિની આરાધના કરતાં તેઓ અન્નનો ત્યાગ કરી ફકત તેઓ પ્રવાહી પર નવ દિવસ પસાર કરે છે. આ ઉપરાંત ગુજરાતમાં લોકો પરંપરાગત માટીનો ગરબો લઈને તેના પર દીવો પ્રગટાવીને માતાજીને ફરતે ગરબે ઘુમે છે. ગુજરાતમાં આ નવરાત્રીના તહેવારને ગરબી અથવા ગરબા તરીકે પણ ઓળખવામાં આવે છે.
5 ગોવા
ગોવા મંદિરોમાં નવરાત્રીના અશ્વિન મહિનાના પ્રથમ દિવસે તાંબાના ઘડાની આસપાસ માટી લગાડવામાં આવે છે. જેમાં અનાજ અને અવનવી વાનગીઓ ભરવામાં આવે છે. ત્યારબાદ તેને કૃષ્ણ ભગવાન અને માતાના મંદિરમાં મુકવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન ઠેર ઠેર ભજન ગીતો તેમજ ધાર્મિક કથાઓ થાય છે. કેટલાક સેલિબ્રિટી કલાકારો દ્વારા લોકગીતોનું પણ આયોજન કરવામાં આવે છે.
6 કર્ણાટક
કર્ણાટકમાં નવરાત્રી દરમિયાન મંદિરોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે. કર્ણાટકના સ્થાનિક લોકો દશેરા તરીકે નવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે અને તેઓ નવરાત્રીને રાજકીય તહેવાર ગણાવે છે. આ ઉપરાંત તેઓ દશેરાને મેયસુર દશેરા તરીકે પણ ઓળખે છે. ૧૬૧૦માં રાજા વોડીપારના માનમાં મેયસુર દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
7 કેરલા
કેરલા અને કર્ણાટકના કેટલાક શહેરોમાં નવરાત્રીનો ત્રણ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. આઠમ, નોમ અને વિજયાદશમી. શારદા નવરાત્રીમાં દેવી સરસ્વતિની આરાધના કરવામાં આવે છે અને ધાર્મિક પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે ધાર્મિક પુસ્તકોની ઘરના મંદિરોમાં સ્થાપના કરવામાં આવે છે અને તેને વાંચીને તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ વિજયાદશમીમાં તેની પૂજા કરીને પાછા લઈ લેવામાં આવે છે. આ દિવસે પુસ્તકો વાંચવું અને લખવું શુભ માનવામાં આવે છે.
8 મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવરાત્રીની ઉજવણી અત્યંત વ્યક્તિગત અને આધ્યાત્મિક હોય છે. મહારાષ્ટ્રના પ્રથમ દિવસે ઘટસ્થાપન તરીકે ઓળખાતા ખાસ સમારંભનું આયોજન કરવામાં આવે છે. તેમાં એક પાત્રમાં માટીનો કાદવ ભેગો કરવામાં આવે છે અને તેની વચ્ચે પાણીથી ભરેલો માટીનો ઘડો મુકવામાં આવે છે જેને મા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. ઘડાની આજુબાજુ પાંચ પ્રકારના અનાજ ઉગાડવામાં આવે છે. સ્ત્રીઓ તે ઘડાની નવ દિવસ સુધી ફૂલ, ચોખા, ફળો વગેરેથી તેની પૂજા કરે છે.
9 તામિલનાડુ
તામિલનાડુમાં ઐતિહાસિક વિધિ વિધાનથી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગા, લક્ષ્મી અને મા સરસ્વતિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પાવન તહેવારમાં તામિલનાડુના ઐતિહાસિક મંદિરોમાં તેમજ અન્ય સ્થળો પર ભરતનાટમ અને મોહિનીયાતમ જેવા શાસ્ત્રીય નૃત્યોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં થતાં આ શાસ્ત્રીય નૃત્યને નવરાત્રી મંતપા તરીકે ઓળખવામાં આવે છે.
10 તેલંગણા
ગુજરાતની જેમ તેલંગણામાં પણ નવરાત્રી દશેરા સુધી ચાલે છે. તેલંગણામાં નવરાત્રીને બાથુકમ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ ફૂલોનો તહેવાર છે. આ દિવસે ત્યાંની સ્થાનિક સ્ત્રીઓ ફૂલોથી ભગવાનની પૂજા કરે છે. દર વર્ષે આ તહેવાર સામાન્ય રીતે સપ્ટેમ્બર ઓકટોબરના શાલીવાહન કેલેન્ડર મુજબ નવ દિવસ સુધી ભદ્રપદા અમાવસ્યાથી શરૂ થાય છે અને દુર્ગાઅષ્ટમી સુધી ચાલે છે. તેલંગણાની સ્ત્રીઓ મોટેભાગે પૂજામાં ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરે છે. અહીંયા પ્રથમ ત્રણ દિવસમાં દુર્ગાની પૂજા થાય છે ત્યારબાદ બીજા ત્રણ દિવસ લક્ષ્મીની પૂજા થાય છે અને છેલ્લા ત્રણ દિવસ સરસ્વતિની પૂજા થાય છે.