ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
રામ જન્મભૂમિની જેમ જ કૃષ્ણ ભુમિ મથુરાનો વિવાદ પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો છે. શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. શ્રીકૃષ્ણના સખા તરીકે રંજન અગ્નિહોત્રીએ આ કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ સંગ્રામ છેડાયો છે. કોઈ તેનું સ્વાગત કરી રહયાં છે તો કોઈ તેને રાજકીય ષડયંત્ર ગણાવે છે.
મથુરા કૃષ્ણ જન્મભૂમિ માટે મથુરા કોર્ટમાં અરજી દાખલ થઈ તે બદલ અયોધ્યા પહોંચેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયારે તેનું સ્વાગત કર્યું છે. વિનય કટિયારનું કહેવું છે કે "ત્રણ સ્થાનની મુક્તિની વાત કરી હતી મથુરા, કાશી અને અયોધ્યા. અયોધ્યા તો જીતી ગયા હવે મથુરા અને કાશી અંગે વિચાર કરવામાં આવશે." તેમણે એમ પણ કહ્યું કે "મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના ગર્ભગૃહ પર મસ્જિદ બની છે, તે રસ્તો કૃષ્ણ જન્મભૂમિ થઈને જાય છે. તેના પર જબરદસ્તીથી મસ્જિદ બનાવવામાં આવી છે. આ ઈદગાહનું મેદાન હિન્દુઓનું પણ છે. આથી જ્યાં સુધી આંદોલન નહીં છેડવામાં આવે ત્યાં સુધી પ્રશાસન જાગશે નહીં.
બાબરી મસ્જિતના પક્ષકાર રહી ચૂકેલા ઈકબાલ અન્સારીનું કહેવું છે કે "અમે હિન્દુ મુસ્લિમ વિવાદ ઈચ્છતા નથી. પરંતુ કેટલીક પાર્ટીઓ એવી છે કે જે મંદિર મસ્જિદ વિવાદ ઈચ્છે છે. તેનાથી જ તેમની રોજીરોટી છે. કાશી મથુરાની વાત કરીને લોકો હિન્દુસ્તાનનો વિકાસ અટકાવવા માંગે છે. આથી હિન્દુ મુસ્લિમ વિવાદ ખતમ કરો."
આ બાજુ મૌલાના મક્સૂદ અલીએ કહ્યું કે "મથુરા ગંગા જમુના તહજીબનું પ્રતીક છે. અહીંનો હિન્દુ મુસ્લિમ ભાઈચારો આખા દેશ માટે એક મિશાલ છે. અમે નથી ઈચ્છતા કે મથુરાની હવાને કોઈની નજર લાગે. અમે નથી ઈચ્છતા કે આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવામાં આવે, અમે ઈચ્છીએ છીએ કે સમુદાયના લોકો પરસ્પર બેસીને વાત કરે." અત્રે જણાવવાનું કે રંજન અગ્નિહોત્રીએ કહ્યું કે કોર્ટે વાદનો સ્વીકાર કર્યો છે. હવે આગળની સ્થિતિ કોર્ટ નક્કી કરશે.